જાંબુઆ ખાતે આવેલ BSUP હાઉસીંગના મકાનનો મોડી સાંજના સમયે સ્લેબનો ભાગ તૂટી પડતાં ઇજાગ્રસ્ત વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

પાલિકા દ્વારા ચોમાસા પૂર્વે જ જર્જરિત મકાનો અને ઇમારતો સામે કડક કાર્યવાહી કરીને નોટીસ આપવામાં આવી હતી.જાંબુઆ વિસ્તારમાં આવેલા BSUPના જર્જરીત મકાનો અંગે પાલિકાના વિપક્ષના નેતા અમી રાવતે થોડા દિવસો પૂર્વે જ પાલિકાના અધિકારીઓ સામે આક્ષેપ કરીને આવસના મકાનોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાવ્યું હતું. અમી રાવતના આક્ષેપના થોડા દિવસોમાં જ મકાનના સ્લેબનો ટુકડો પડયાની ઘટના સામે આવી છે.જેમાં ઇજાગ્રસ્ત વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત થયા હોવાની વિગતો સામે આવી છે. માત્ર બાર વર્ષના ટૂંકા ગાળામાં પાલિકા દ્વારા બનાવેલ આ આવાસ યોજનામાં થયેલ ભ્રષ્ટાચારને પરિણામેં અહીં રહેતાં નાગરિકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

તે અંગેની રજૂઆત વિપક્ષ નેતા અમી રાવતે કરી હતી, પરંતુ પાલિકા તંત્ર દ્વારા આ દિશામાં કોઈ નક્કર કામગીરી કરવામાં આવી ન હતી જેના કારણે ગઈકાલે સાંજે અકસ્માતની ઘટના સર્જાઈ છે. જાંબુઆના BSUP આવાસમાં રહેતા જડાબેન સાંજના સમયે જમવા બેઠા હતા ત્યારે તેમના મકાનના સ્લેબનો એક ભાગ ધરાશાયી થયો હતો.સ્લેબના ટુકડાને કારણે વૃદ્ધ મહિલાના કમરના ભાગે ઇજા પહોંચી હતી અને સ્થાનિક રહીશોએ ઇજાગ્રસ્ત મહિલાને 108 એબ્યુલન્સના માધ્યમથી સારવાર માટે લઈ ગયા હતા ક્યાં ટૂંકી સારવાર બાદ મહિલાનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં પાલિકા વિરુદ્ધ આક્રોશ જોવા મળ્યા હતો. એક તરફ પાલિકા જર્જરિત મકાનો અને ઇમારતો સામે રીનોવેશન કામગીરીને લઈને સતર્ક બની છે ત્યારે આવાસ યોજનાના જર્જરિત મકાનો સામે તેમનું ઉદાસીન વલણ કોઈ મોટા અકસ્માતને નોતરે એવું લાગી રહ્યું છે.
Reporter: News Plus