News Portal...

Breaking News :

અક્સ્માતમાં ઘાયલનો ૭ દિવસનો હોસ્પિટલનો દોઢ લાખ સુધીનો ખર્ચ સરકાર આપશે

2025-04-17 11:01:20
અક્સ્માતમાં ઘાયલનો ૭ દિવસનો હોસ્પિટલનો દોઢ લાખ સુધીનો ખર્ચ સરકાર આપશે


ટુ વ્હીલર માટે આઇએસઆઇ માર્કાની બે હેલ્મેટ ફરજિયાત આપવામાં આવશે 

નવી દિલ્હી : ભારતમાં દર વર્ષે એક લાખ એંસી હજાર લોકોના મોત માર્ગ અકસ્માતમાં થાય છે અને તેમાં પણ સ્કૂલની સામે જ દર વર્ષે ૧૦,૦૦૦ બાળકો રોડ એક્સિડેન્ટમાં મૃત્યુ પામે છે. 


કેન્દ્રના માર્ગ પરિવહન પ્રધાન નિતિન ગડકરીએ આ આંકડા આપી જણાવ્યું હતું કે, અક્સ્માતમાં ઘાયલનો સાત દિવસનો હોસ્પિટલનો દોઢ લાખ સુધીનો ખર્ચ સરકાર આપશે, માર્ગ સુરક્ષાના મામલે અમે લાંબા સમયથી કામ કરી રહ્યા છીએ પણ તેમાં અમને ધારી સફળતા મળી નથી. હવે અમે રોડ સેફ્ટી ઓડિટ કરાવી રહ્યા છીએ અને રાહવીર યોજના સહિત વિવિધ પગલાં ભરી દેશમાં માર્ગ અક્સ્માતમાં થતાં મૃત્યુની સંખ્યા ઘટાડવાના પ્રયાસો કરી રહ્યા છીએ. રાહવીર યોજનામાં માર્ગ અક્સ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિને કોઇ રાહદારી સારવાર માટે હોસ્પિટલ પહોંચાડશે તો તેને રાહવીર યોજના હેઠળ ૨૫,૦૦૦ રૂપિયાનો એવોર્ડ આપવામાં આવશે. ગડકરીએ ઉમેર્યું હતું કે જો અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને સમયસર હોસ્પિટલમાં પહોંચાડવાનું કામ લોકો ઉપાડી લે તો તેનાથી દર વર્ષે ૫૦,૦૦૦ લોકોના જીવ બચી શકે તેમ છે. 


કેન્દ્રના માર્ગ પરિવહન પ્રધાન નિતિન ગડકરીએ માર્ગ સુરક્ષાની તેમના માસ્ટર પ્લાનની વિગતો એક ટીવી શોમાં આપતાં જણાવ્યું હતું કે હવે જે કોઇ ટુ વ્હીલર વાહન ખરીદશે તેને કોઇ સારી કંપનીની આઇએસઆઇ માર્કાની બે હેલ્મેટ પણ  ફરજિયાત  પુરી પાડવામાં આવશે જેથી ટુ વ્હીલર પર સવાર બંને જણાં હેલ્મેટ પહેરી શકે. માર્ગ અકસ્માતને અટકાવવા માટે સરકાર દ્વારા વિવિધ પગલાં ભરવામાં આવી રહ્યા છે તેની વિગતો આપતાં ગડકરીએ જણાવ્યું હતું કે હવે રોડ પર ફરજિયાત પ્રિ-કાસ્ટ લગાવવામાં આવશે. ફેકટરીમાં બનેલાં આ પ્રિ-કાસ્ટ હવે રોડ બેરિયર્સની જગ્યાએ લગાવવામાં આવશે.


Reporter: admin

Related Post