ભાવનગર: શહેરમાં આજે સવારે એક અત્યંત કરુણ અને હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં જે યુવતીના આજે લગ્ન હતા, તે જ યુવતીની છરીના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી દેવામાં આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પ્રભુદાસ તળાવ વિસ્તારમાં રહેતા હિંમતભાઈ જીવાભાઇ રાઠોડની પુત્રી સોનીબેનની આજે સવારે તેના જ ઘરમાં હત્યા કરવામાં આવી હતી. હત્યારો યુવતીને છરીના ઘા ઝીંકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. સૌથી દુઃખદ વાત એ છે કે આજે જ સોનીબેનના લગ્ન લેવાના હતા. જે ઘરમાં લગ્નના ગીત અને શરણાઈના સૂર ગુંજવાના હતા, ત્યાં આજે આક્રંદ અને માતમ છવાઈ ગયો હતો.
આ ગંભીર ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સૌપ્રથમ પંચનામું કર્યું હતું અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.
Reporter: admin







