વડોદરા : મા-બાપની વિરુદ્ધ જઈ સોશિયલ મીડિયાના માધ્યમથી વડોદરાના યુવક સાથે લવ મેરેજ કરનાર યુવતીના પ્રેમનો નશો થોડા જ મહિનામાં ઉતરી ગયો છે અને હવે તેને પતિના ત્રાસથી એક સંસ્થામાં આશરો લેવાની નોબત આવી છે.
રાજકોટની મધ્યમ વર્ગીય યુવતી સોશિયલ મીડિયાના માધ્યમથી વડોદરાના એક યુવકના સંપર્કમાં આવી હતી. બંને વચ્ચે શરૂઆતમાં ફ્રેન્ડશીપની વાતો થયા બાદ પ્રેમ પાંગર્યો હતો અને પરિવારજનોની વિરુદ્ધમાં જઈ લગ્ન કરવા મક્કમ બન્યા હતા. લગ્ન કરી વડોદરા આવેલી યુવતીને થોડા જ દિવસોમાં પતિના અસલી ચહેરાનો અનુભવ થયો હતો. કોઈપણ કામ ધંધો નહીં કરતા પતિએ યુવતીને નોકરી કરાવવા મજબૂર કરી હતી. તેણે પત્નીનું એટીએમ કાર્ડ પણ લઈ લીધું હતું.
પગાર તેમજ એટીએમ મારફતે રોકડ ઉપાડી લઈએ નશો કરતા પતિએ મારઝુડ કરતા યુવતી દયનીય હાલતમાં મુકાઈ હતી.પતિનો અત્યાચાર સહન નહીં કરી શકનાર યુવતીએ આખરે રાજકોટમાં રહેતા માતા-પિતાનું શરણું માગ્યું હતું. પરંતુ તેમણે પણ વિચારવાનો સમય માંગ્યો હતો. આખરે યુવતીએ અભયમની મદદ માંગતા તેમણે સખી વન સ્ટોપ સેન્ટર ખાતે યુવતીને આશરો આપ્યો છે.
Reporter: admin