સ્વિસ બેન્કોમાં રખાતાં ભંડોળમાં સન 2023માં 70 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે. હાલ સ્વિસ બેન્કોમાં ભારતીયોનું ભંડોળ ચાર વર્ષમાં સૌથી ઓછું 1.04 બિલિયન સ્વિસ ફ્રાન્ક એટલે અંદાજે 9771 કરોડ રૂપિયા રહ્યું છે.
સન 2021માં 14 વર્ષમાં સર્વાધિક 3.83 બિલિયન સ્વિસ ફ્રાન્કનું ભારતીયોનું ભંડોળ સ્વિસ બેન્કોમાં પડેલું જણાયું હતું. સ્વિસ બેન્કોમાં ભારતીય ગ્રાહકો દ્વારા જમા રાખવામાં આવતાં ભંડોળમાં આ સતત બીજા વર્ષે ઘટાડો નોંધાયો છે.સ્વિટ્ઝરલેન્ડની સ્વિસ નેશનલ બેન્ક દ્વારા ગુરૂવારે જારી કરવામાં આવેલાં વાર્ષિક ડેટામાં અપાયેલી વિગતો અનુસાર આ રકમમાં ભારતીયો, એનઆરઆઇઓ દ્વારા થર્ડ કન્ટ્રી કંપનીઓના ઉપયોગ દ્વારા જમા થતાં નાણાંનો સમાવેશ થતો નથી. સન 2023ના અંતમાં સ્વિસ બેન્કોઓ ભારતીય ગ્રાહકોને ચૂકવવાની કુલ રકમ 1039.8 મિલિયન ફ્રાન્ક હતી. જેમાં 310 મિલિયન કસ્ટમર ડિપોઝીટ્સ પેટે હતા જે ગયા વર્ષે સન 2022ના અંતે 394 મિલિયન ડોલર્સ હતી. અન્ય બેન્કો દ્વારા જમા રખાયેલી રકમ 427 મિલિયન ડોલર્સ હતી જે ગયા વર્ષે 1110 મિલિયન ફ્રાન્ક હતી.
ટ્રસ્ટ દ્વારા જમા થતી રકમ 10 મિલિયન હતી જે ગયા વર્ષે 24 મિલિયન ફ્રાન્ક હતી. બોન્ડ અને જામીનગીરીઓના સ્વરૂપે અન્ય રકમ 302 મિલિયન ફ્રાન્ક હતી જે ગયા વર્ષે 1896 મિલિયન ફ્રાન્ક હતી. સન 2006માં વિક્રમસર્જક 6.5 અબજ સ્વિસ ફ્રાન્ક એટલે કે અંદાજે 9000 કરોડ રૂપિયાની રકમ ભારતીયોના નામે બોલતી હતી એ પછી તેમાં થોડા વર્ષોના અપવાદો બાદ કરતાં સતત ઘટાડો થતો રહ્યો છે. બેન્કના ડેટા અનુસાર માત્ર વર્ષ 2011, 2013, 2017, 2020 અને 2021ના વર્ષોમાં આ રકમમાં વધારો થયો હતો.આ ડેટામાં ભારતમાં કામ કરતી સ્વિસ બેન્કોની બ્રાન્ચોમાં રહેલાં નોન ડિપોઝીટ લાયેબિલિટીઝનો પણ સમાવેશ થાય છે. વર્ષ 2018થી સ્વિટ્ઝરલેન્ડ અને ભારત વચ્ચે કરવેરાની માહિતીની ઓટો મેટિક આપલે થાય છે.
Reporter: News Plus