ભાજપે શહેરને સંચાર બંધીથી મુક્ત કર્યું..
જો કે પીડિતો એ એના અસંવેદનશીલ નેતાઓ માટે પ્રવેશ બંધી ફરમાવવી પડી...
કમનસીબે સોળ મહિના વીતી જવા છતાં ન્યાય અધુરો છે અને હવે જાણે કે ન્યાય માંગવો એ ગુનો બની ગયું છે.

કોમી તોફાનો અને તેના પગલે સંચારબંધી એટલે કે કરફ્યુ વર્ષો સુધી આ શહેરની પરંપરા બની ગઈ હતી.છેલ્લા વીસેક વર્ષમાં જન્મેલી પેઢીના બાળકોને કરફ્યુ એટલે શું એની ખબર નથી.પરંતુ એ અગાઉની પેઢીના બાળકો મા, દાદા,બા જેવા શબ્દોની સાથે શિશુ વયથી જ કરફ્યુ શબ્દ બોલતા શીખી જતાં અને એનો અર્થ પણ જાણતા. ભાજપ શાસન ની આ ઉજળી બાજુ છે કે એમાં શહેર અવાર નવાર લદાતી સંચારબંધી થી મુક્ત થયું.તેની સાથે આજે એવી કરુણ પરિસ્થિતિ સર્જાઈ છે કે કેટલાક પીડિત પરિવારોએ પોતાના વિસ્તારમાં ભાજપના નેતાઓ માટે થાકી હારીને પ્રવેશબંધી ફરમાવવી પડી છે.હરણી બોટ કાંડમાં જીવ ગુમાવનારાઓ ની તસવીરો સાથે આ પ્રવેશબંધી જાહેર કરતું બોર્ડ લગાવવું પડ્યું છે એ શાસનની ન્યાય આપવાની તાકાતમાં થી પીડિત પરિવારોના ડગી ગયેલા વિશ્વાસનો પુરાવો છે.હરણી બોટ કાંડને 16 મહિના થઈ ગયા છે.આ સમય દરમિયાન પીડિત પરિવારો હજુ ન્યાય થી વંચિત છે તો બીજી બાજુ આરોપીઓ જામીન પર મુક્ત છે. ઘણાં આરોપીઓ એ તો કોર્ટ સમક્ષ પોતાને આ પ્રકરણમાં થી મુક્ત જાહેર કરવા અરજી કરવાની હિંમત કરી હતી. કલેક્ટર દ્વારા પીડિત પરિવારોને પ્રોજેક્ટના સંચાલકો પાસે થી મળવાપાત્ર વળતર નિર્ધારિત કરવામાં આવ્યું જેની ચુકવણી ઘોંચમાં પડી છે.અસંવેદનશીલતા ની હદ એ છે કે આજે સત્તા પક્ષમાં થી કોઈ આ ઘટનાના પીડિત પરિવારોની પડખે ઉભા રહેવા તૈયાર નથી.એ લોકો ન્યાય માંગે છે જેને કદાચ ગુનો ગણવામાં આવી રહ્યો છે. સત્તા પક્ષના એકલવીર નગર સેવક આશિષ જોશી ઘટનાના દિવસથી આ પરિવારોની સાથે છે. મોટાભાગના પીડિત પરિવારો એમના વિસ્તારના હોવાથી એમની સાથે ઉભા રહેવું એ જન પ્રતિનિધિ તરીકે એમનું કર્તવ્ય છે. પીડિત પરિવારો એ પ્રત્યેક ઉંબરે ન્યાયની ગુહાર લગાવી છે પણ ક્યાંય થી એમને પ્રતિભાવ મળ્યો નથી. એમના માટે આશિષ જોશી અને બાહોશ ધારાશાસ્ત્રી હિતેશ ગુપ્તા ઝઝૂમી રહ્યા છે. એના એક જલદ પ્રતિભાવ રૂપે દીનદયાળ નગર ગૃહની કમનસીબ ઘટના ઘટી. મુખ્યમંત્રી મોટું મન રાખીને પીડિત પરિવારની મહિલાઓને મળ્યા,એમની વાત સાંભળી. હવે સ્થિતિ એ છે કે કેટલાક પરિવારોને કદાચ બેઘર બનવું પડશે. કાયદો કાયદાનું કામ ભલે કરે.જો એવું હોય તો સંતાનો ગુમાવનાર પીડિત પરિવારોને ન્યાય મળવો જોઇએ. કોટિયા પ્રોજેક્ટના સંચાલકો,બાળકોને પ્રવાસે મોકલી બેદરકારી દાખવનારી સનરાઈઝ શાળા અને મનપા ને ખોટ જાય, વેરો વેડફાય એ રીતે કોટિયા પ્રોજેકટને લેક ઝોન સોંપનારા અધિકારીઓ અને એમાં જો કોઈની ભૂમિકા હોય એવા નેતાઓ ને કાયદાની જોગવાઈ પ્રમાણે સજા થવી જોઈએ. કમનસીબે સોળ મહિના વીતી જવા છતાં ન્યાય અધુરો છે અને હવે જાણે કે ન્યાય માંગવો એ ગુનો બની ગયું છે.એમની પડખે રહેનારા નગરસેવકને બળવાખોર ચિતરીને પક્ષમાં થી પાણીચુ તો આપ્યું અને તે પછી યેન કેન પ્રકારેણ હેરાન કરવામાં આવી રહ્યા છે. સત્તા પક્ષના જ સંવેદનશીલ લોકો ને આ ખોટું થઈ રહ્યું છે એવો અવશ્ય કચવાટ છે.પરંતુ પીડિતોનો પક્ષ લેવાની કોઈની હિંમત નથી.

પીડિતોએ પોતાના વિસ્તારમાં નેતાઓ માટે પ્રવેશબંધી જાહેર કરી...
પીડિતો હવે હિંમત હારી ગયા છે એટલે એમણે પોતાના વિસ્તારમાં નેતાઓ માટે પ્રવેશબંધી જાહેર કરી છે.જો કે નેતાઓ ધારશે તો એ પ્રવેશબંધીની ઐસી કી તૈસી કરીને માત્ર એમના વિસ્તારમાં નહીં એમના ઘરમાં પણ ઘુસી જશે એની પણ એમને ખબર છે જ.પરંતુ દિલ કો બહેલાને કે લિયે પ્રવેશ બંધી કા પાટિયા અચ્છા હૈ ગાલિબ..ભગવાન પીડિતોના તારણહાર બનવાની થોડાક લોકોને શક્તિ અને તાકાત આપે એવી પ્રાર્થના કરી મૃતકોને સોળમી માસિક પુણ્યતિથીની હાર્દિક શ્રદ્ધાંજલિ આપીએ.
Reporter: admin







