પાદરા તાલુકાના મુજપુર ખાતે ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટનામાં શુક્રવારે સતત ત્રીજા દિવસે પણ રેસ્ક્યુ ઓપરેશન યથાવત રહ્યું હતું . અત્યાર સુધી મોતનો આંક 20 સુધી પહોંચ્યો છે. અનેક વિષમતા વચ્ચે તંત્ર અત્યારે વહેલી સવારથી મોડી સાંજ સુધી કામગિરી કરી રહ્યું છે. વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા સતત ત્યાં ખડે પગે રહીને રેસ્કયુ ઓપરેશન પર નજર રાખી રહ્યા છે. હજું એક વ્યક્તિની ભાળ મળી નથી. રેસ્કયું ઓપરેશનની સાથે સાથે નદીમાં પડી ગયેલા વાહનો બહાર કાઢવાના પણ પ્રયાસો થઇ રહ્યા છે. જો કે રાજ્યના મુખ્યમંત્રી કે વડોદરા જિલ્લાના પ્રભારી ગૃહ મંત્રી એ હજી સુધી સ્થળની કે પછી હોસ્પિટલમાં ઘાયલોની મુલાકાત લીધી નથી. મોડે મોડે પણ સરકારની ભારે ટીકા થતાં આખરે રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે સ્થળની મુલાકાત લીધી હતી અને તેઓ હોસ્પિટલમાં જઇને ઘાયલોના ખબર અંતર પણ પુછ્યા હતા. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ પણ આજે શહેરમાં હતા અને તેઓ પણ હોસ્પિટલની મુલાકાત લે તેવી શક્યતા છે.

નદીમાં સલ્ફ્યુરિક એસિડ ટેન્કનું જોખમ અને પાણીમાં સોડા એશ ફેલાવાને કારણે સખત બળતરા...
ગંભીરા બ્રિજ પર બનેલી ગંભીર દુર્ઘટનાના ત્રીજા દિવસે, વડોદરા કલેક્ટર અનિલ ધામેલિયાએ ઘટનાસ્થળેથી ચાલી રહેલી બચાવ કામગીરી અંગે કહ્યું કે જે ગંભીર અકસ્માત થયો તેના અંતર્ગત બચાવ કામગીરી ચાલુ રાખી છે. ખાસ કરીને કાદવની પરિસ્થિતિ અને બ્રિજની સ્થિરતાના પ્રશ્નોને કારણે, ઉપરના ભાગે ક્રેન સુરક્ષિત રીતે કામ કરી રહી છે. આ ઉપરાંત, અંદરના ભાગમાં સોડા એશ ફેલાવાને કારણે પાણીમાં બળતરા અને ખંજવાળની સમસ્યા થઈ રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સલ્ફ્યુરિક એસિડનું ૯૮% સાંદ્રતા ધરાવતું એક ટેન્કર પણ અંદરના ભાગમાં છે, જેથી તમામ જોખમોને ધ્યાનમાં રાખીને ટીમ કામ કરી રહી છે. ગઈકાલે રાત્રે ૧૦.૦૦ વાગ્યાની આસપાસ પાણી ભરાઈ ગયા બાદ ઓપરેશન બંધ કરવામાં આવ્યું હતું. ત્યાં સુધીમાં ૧૮ મૃતદેહો મળ્યા હતા. પરમ દિવસે જ્યારે ગુમ થયેલા વ્યક્તિઓની યાદી બનાવી ત્યારે કુલ ૭ લોકો ગુમ હતા. ગઈકાલે સવારે એક વધારાનું લિસ્ટ મળતા કુલ ૮ લોકો ગુમ થયા હતા. આ પૈકી, પરમ દિવસે ૧૨ મૃતદેહો મળ્યા હતા અને ગઈકાલે પણ ૬ મૃતદેહો રિકવર કરવામાં આવ્યા છે.આજના દિવસની કામગીરી અંગે કલેક્ટરે જણાવ્યું કે, આજના દિવસે બે મૃતદેહો ગુમ થયેલા વ્યક્તિઓ પૈકીના છે. મોટાભાગે બીજા કોઈ વાહનો નીચે નથી. બાઈક છે અને બાઈકના સવારોનું મોટાભાગે ટ્રેસિંગ થઈ ગયું છે, એટલે અન્ય વાહનો હોવાની શક્યતાઓ ઓછી છે. આજે જે બે મૃતદેહો બાકી છે, તેમને સૌથી પહેલા રિકવર કરવાની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવશે.
સરકારના પ્રવક્તા મંત્રીએ શું કહ્યું ...
આરોગ્ય મંત્રી અને સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આજે સ્થળની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના આદેશ બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવા આવી છે અને આ તપાસ સમિતિના પ્રાથમિક અહેવાલ મુજબ પેડેસ્ટ્રલ અને આર્ટીક્યુલેશન ક્રશ થવાના કારણે આ બ્રિજ તૂટી પડ્યો હોવાનું નોંધાયું છે. માર્ગ અને મકાન વિભાગની આ સમિતિ દ્વારા ૩૦ દિવસમાં વિસ્તૃત અહેવાલ આપવામાં આવશે. તેના ટેકનિકલ અને વહીવટી કારણો સાથેનો તપાસ અહેવાલ મુખ્યમંત્રી ને સોંપવામાં આવશે. બાદમાં તેના આધારે અન્ય નિર્ણયો લેવામાં આવશે. પ્રાથમિક દ્રષ્ટિએ જ્યાં પણ બેદરકારી ધ્યાને આવી, એ માટેના જવાબદાર માર્ગ અને મકાન વિભાગના ચાર અધિકારીઓને રાજ્ય સરકારે ફરજ મોકૂફી હેઠળ મૂક્યા છે. હજુ પણ જે પગલાં લેવા પડશે, એ પગલાં રાજ્ય સરકાર ચોક્કસ લેશે. હાલમાં બ્રિજ દુર્ઘટનામાં શોધખોળ કામગીરી અંતિમ તબક્કામાં છે. અંદર પડેલા વાહનો બહાર કાઢવામાં આવ્યા છે. હતભાગીઓનાં મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. સમગ્ર તંત્રએ ત્વરિત અને સંવેદના સાથે કામગીરી કરી છે.ત્યારબાદ, હવે બ્રિજનો જે સ્લેબ છે તેને તોડવાનું કામ કરવામાં આવશે અને નીચેથી બાકીનું બધું મટીરીયલ અને સંપત્તિ રિકવર કરાશે. સાથે જ, નદીના પાણીમાં સલ્ફ્યુરિક એસિડનું જે ટેન્ક છે તેને નિષ્ક્રિય કરવાનો પ્રયાસ કરવામાં આવશે.એક મૃતદેહની પ્રાથમિક માહિતી મળી છે અને તેની પ્રક્રિયા ચાલી રહી છે. હાલના તબક્કે, સૌથી અગત્યની કામગીરી એ છે કે, પુલર મારફતે ટ્રકને બહાર કાઢવામાં આવશે અને સાથે સાથે જે સ્લેબ છે તેને તોડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે. આ સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વડોદરા શહેરની એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમની 10 મિનીટ આ મુલાકાત દરમિયાન, મંત્રીએ ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા હતા અને તેમને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા હોસ્પિટલ તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી.

એસએસજીમાં સમારકામ અને પ્રશાસનનો રદીયો...
આરોગ્ય મંત્રીના આગમન પહેલા હોસ્પિટલ તંત્રએ શરમ નેવે મુકી હોય તેવું પ્રદર્શન કર્યું હતું. મંત્રીના આગમન પહેલા હોસ્પિટલમાં રંગરોગાન હાથ ધરવામાં આવ્યું હતું. એટલું જ નહીં તુટેલી ટાઇલ્સો દૂરીને તેના પોપડા ભરવામાં આવ્યા હતા. સરકારી તંત્રથી જર્જરિત પુલનું સમારકામ થતું નથી, પરંતુ મંત્રીના આવતા પહેલા હોસ્પિટલમાં રંગરોગાન કરાય છે, આ પ્રકારના અહેવાલો મીડિયામાં આવતા હોસ્પિટલ તંત્રહરકતમાં આવ્યું અને તેમણે રદીયો આપતા કહ્યું કે હોસ્પિટલના એક વોર્ડમાં કેટલીક ટાઇલ્સ તૂટેલી હાલતમાં હતી. આ બાબત ગઈકાલે તા.૧૦/૦૭/૨૦૨૫ થી ધ્યાન પર આવી હતી. દર્દીઓ અને મુલાકાતીઓની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને, આ તૂટેલી ટાઇલ્સને તાત્કાલિક બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી હોસ્પિટલના રોજિંદી જાળવણી અને મરામતના ભાગરૂપે જ કરવામાં આવી રહી છે, અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય હોસ્પિટલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુચારુ રાખવાનો છે. હોસ્પિટલ પરિસરમાં આવતા કેટલાક મુલાકાતીઓ દ્વારા ગુટકા જેવી વસ્તુઓનું સેવન કરીને ગમે ત્યાં થૂંકવામાં આવતું હોવાથી દીવાલો અને અન્ય સપાટીઓ ગંદી થતી હોય છે. હોસ્પિટલની સ્વચ્છતા અને આરોગ્યપ્રદ વાતાવરણ જાળવવા માટે નિયમિતપણે સફાઈ અભિયાન અને સમયાંતરે રંગકામની કામગીરી હાથ ધરવામાં આવે છે. ટાઇલ્સ રિપેરિંગ અને સફાઈ/રંગકામની કામગીરી મંત્રીની મુલાકાત અંગેની જાણકારી મળ્યા પહેલાંથી જ હોસ્પિટલના રૂટિન મરામત અને જાળવણીના ભાગરૂપે ચાલુ રાખવામાં આવેલી હતી. આ કામગીરીનો મંત્રીની મુલાકાત સાથે કોઈ સીધો સંબંધ નથી કે તે ફક્ત તેમની મુલાકાતને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી નથી.
ટ્રક ડ્રાઇવર ગણપતસિંહને સો સલામ...
ગણપતસિંહ રાજપૂત, ૪૦ વર્ષીય એક સામાન્ય ટ્રક ડ્રાઈવર, જે દહેજથી કંડલા બંદર ટેન્કર ટ્રકમાં સલ્ફયુરિક એસિડ લઈને જઈ રહ્યા હતા. પરંતુ મુજપુર-ગંભીરા બ્રિજ પર બનેલી એક ગોઝારી ઘટનાએ તેમના જીવનમાં અણધારી આફત સર્જી હતી. આ અકસ્માતમાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા, તેમ છતાં તેમણે જે અદમ્ય સાહસ અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું, તે ખરેખર પ્રેરણાદાયક છે. ઘટના એટલી ભયાવહ હતી કે બ્રિજ પરથી નદીમાં ખાબક્યા બાદ ગણપતસિંહને લગભગ ૧૫ મિનિટ સુધી ભાન જ નહોતું. શરીરને એકાએક ઠંડક લાગી અને જ્યારે તેમને ભાન આવ્યું, ત્યારે તેમણે જોયું તો તેઓ પોતાના વાહન સહિત અનેક લોકો સાથે નદીમાં પડ્યા હતા. તેમણે એક પગથી લાત મારીને ટ્રકનો કાચ તોડીને ટ્રક અને પાણીમાંથી બહાર નીકળીને પુલના થાંભલા પાસે સુરક્ષિત રીતે પોતાને બચાવ્યા. એક હાથે અને એક પગે ગંભીર ઈજા થઈ હતી અને તેઓ લોહીલુહાણ અવસ્થામાં હતા. પીડા અસહ્ય હતી, શરીર સાથ નહોતું આપી રહ્યું, છતાં તેમની નજર મહીસાગર નદીના પ્રચંડ વહેણમાં વહી રહેલા નરેન્દ્રસિંહ પરમાર પર પડી. પોતાના જીવની પરવા કર્યા વગર, ગણપતસિંહે બાકી રહેલા એક હાથ અને એક પગનો ઉપયોગ કરીને, અકલ્પનીય હિંમત દાખવીને, નરેન્દ્રસિંહને બચાવવા માટે પ્રયાસ કર્યો અને નરેન્દ્રસિંહને હેમખેમ બચાવ્યા.જ્યારે તેમણે નરેન્દ્રભાઈ ને બચાવ્યા તે સમયે ઇજાગ્રસ્ત સોનલબેન પઢિયાર સહિત પોતાનો જીવ બચાવવા માટે વલખાં મારતા લોકો ગણપતસિંહ સામે લાચાર આંખે મદદ મળશે તેવી નજરે જોઈ રહ્યા હતા. પણ ગણપતસિંહ તેમની મદદ કરી શક્યા ન હતા. જોકે, કમનસીબે, નરેન્દ્રસિંહ પરમારનું સારવાર દરમિયાન ઘટનાના બે દિવસ પછી નિધન થયું છે. આ સમાચાર ગણપતસિંહ માટે અત્યંત દુઃખદ હતા, કારણ કે તેમણે પોતાના જીવની પરવા કર્યા વગર જે પ્રયાસ કર્યો હતો, તે સફળ ન થઈ શક્યો.
ઋષિકેશ પટેલ ઘાયલોને મળવા આવ્યા હતા, પરંતુ મૃતકના પરિવારને ના મળતા ઉગ્ર રોષ...
આ દુર્ઘટનામાં ખાનગી કંપનીમાં સિક્યોરિટી તરીકે નોકરી કરતા આણંદના બોરસદ તાલુકાના દહેવણ ગામના 45 વર્ષીય નરેન્દ્રસિંહ રતનસિંહ પરમારનું આજે સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં નિધન થયું હતું. પતિના મોતના સમાચાર સાંભળતાં જ તેમનાં પત્નીના હૈયાફાટ રુદનથી પરિસરમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને તેઓ બેભાન થઈ ગયાં હતાં. જ્યારે પરિવારે હૈયાવરાળ કાઢતાં કહ્યું, સરકાર ચાર લાખમાં ગરીબની જિંદગી ખરીદવા નીકળી છે. મૃતક નરેન્દ્રસિંહના પિતરાઈ ભાઈ સિદ્ધાર્થ પરમારે જણાવ્યું, તેમના ભાઈ નોકરીથી પરત ફરતી વખતે બ્રિજ તૂટતાં દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું ત્યારે જ સ્વાસ્થ્યમંત્રી ઋષિકેશ પટેલ ઘાયલોને મળવા આવ્યા હતા, પરંતુ તેમના પરિવારને મળ્યા નહોતા. સરકાર ફોટો સેશન કરાવવા માટે મિનિસ્ટર બનાવે છે? આવી સરકારની અમને કોઈ જરૂર નથી. અહીં અમને કોઈ પૂછવા માટે પણ આવ્યું નથી.' તેમણે એસએસજી હોસ્પિટલના ડોક્ટરો પર પણ બેદરકારીનો આરોપ લગાવતાં કહ્યું હતું કે 'અહીં ગરીબ દર્દીઓની કોઈ નોંધ લેતું નથી. અમે પોસ્ટમોર્ટમ કરાવવા માટે બે કલાકથી રાહ જોઈ રહ્યા છીએ, પરંતુ કોઈ અધિકારી અહીં આવ્યા જ નથી.'

Reporter:







