News Portal...

Breaking News :

નેપાળમાં વર્તમાન પ્રતિનિધિ સભાને તાત્કાલિક ભંગ કરવામાં આવે

2025-09-10 12:18:30
નેપાળમાં વર્તમાન પ્રતિનિધિ સભાને તાત્કાલિક ભંગ કરવામાં આવે


આંદોલન દરમિયાન શહીદ થયેલા લોકોને સત્તાવાર રીતે 'શહીદ' જાહેર કરવા
નેપાળ આર્મીને તૈનાત કરવામાં આવી
કાઠમંડુ : નેપાળમાં ઊંડા રાજકીય અને સામાજિક સંકટને કારણે વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીએ ભ્રષ્ટાચાર વિરોધી દેખાવો અને સોશિયલ મીડિયા પરના પ્રતિબંધના આંદોલન બાદ રાજીનામું આપ્યું. પ્રદર્શનોમાં પોલીસ કાર્યવાહી દરમિયાન 22 લોકોનાં મૃત્યુ થયાં અને સેંકડો ઘાયલ થયા. તેમજ પ્રદર્શનકારીઓએ સરકારી ઇમારતો, રાજકીય કાર્યાલયો અને સુપરમાર્કેટમાં આગચંપી કરી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે નેપાળ આર્મીને તૈનાત કરવામાં આવી છે. તેમજ લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી રહી છે.



આંદોલન પછી પ્રદર્શનકારીઓએ પોતાની માંગણીઓ રાષ્ટ્રપતિ અને સેના સમક્ષ રજૂ કરી છે. તેમણે આંદોલન દરમિયાન શહીદ થયેલા લોકોને સત્તાવાર રીતે 'શહીદ' જાહેર કરવા, શહીદ પરિવારોને રાષ્ટ્ર તરફથી સન્માન, અભિનંદન અને રાહત આપવા, બેરોજગારી, પલાયન અને સામાજિક અન્યાયને સમાપ્ત કરવા માટે વિશેષ કાર્યક્રમો લાવવાની માંગ કરી છે. આ આંદોલન કોઈ પક્ષ કે વ્યક્તિ માટે નહીં, પરંતુ સમગ્ર પેઢી અને રાષ્ટ્રના ભવિષ્ય માટે છે. શાંતિ ફક્ત નવી રાજકીય વ્યવસ્થાના પાયા પર જ શક્ય બનશે. રાષ્ટ્રપતિ અને નેપાળી સેના પાસેથી આશા છે કે આ પ્રસ્તાવોને હકારાત્મક રીતે લાગુ કરવામાં આવશે.



મુખ્ય રાજકીય માંગણીઓ:
- વર્તમાન પ્રતિનિધિ સભાને તાત્કાલિક ભંગ કરવામાં આવે.
- બંધારણમાં સુધારો અથવા ફરીથી લખવામાં આવે, જેમાં નાગરિકો, નિષ્ણાતો અને યુવાનોની સક્રિય ભાગીદારી હોય.
- વચગાળાનો સમયગાળો સમાપ્ત થયા બાદ સ્વતંત્ર, નિષ્પક્ષ અને સીધી જનભાગીદારી પર આધારિત નવી ચૂંટણીઓ કરાવવામાં આવે.
- સીધા ચૂંટાયેલા કાર્યકારી નેતૃત્વની સ્થાપના કરવામાં આવે.
તાત્કાલિક કાર્ય યોજના:-
- છેલ્લા ત્રણ દાયકામાં લૂંટાયેલી સંપત્તિની તપાસ કરીને ગેરકાયદેસર સંપત્તિનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવે.
- શિક્ષણ, આરોગ્ય, ન્યાય, સુરક્ષા અને સંચાર જેવી પાંચ મૂળભૂત સંસ્થાઓમાં માળખાકીય સુધારાઓ અને પુનર્ગઠન કરવામાં આવે.
નેપાળમાં પરિસ્થિતિ સતત તણાવપૂર્ણ બની રહી છે. સાવચેતીના પગલા તરીકે, હાલ સેનાએ આખા દેશમાં કર્ફ્યુ લગાવવાનો નિર્ણય કર્યો છે.

Reporter: admin

Related Post