શહેરના કારેલીબાગ વિસ્તારમાં જ્વેલર્સ શો રૃમમાંથી ૧૦ કિલો ચાંદી ચોરવાના બનેલા બહુચર્ચિત બનાવનો ભેદ ઉકેલવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે.પોલીસે સિકલીગર ગેંગના બે સાગરીતોને ઝડપી પાડી ફરાર થઇ ગયેલા અન્ય સાગરીતોની શોધખોળ હાથ ધરી છે.
કારેલીબાગ આનંદનગર રોડ પર આવેલા શ્રીજી જ્વેલર્સમાં એક સપ્તાહ પહેલાં કારમાં આવેલા ચોરોએ તાળાં તોડી ચોરી કરી હતી.ચોરો ચાંદીના વાસણો,મૂર્તિ વગેરે ઉઠાવી ગયા હતા.પોલીસને આ બનાવના સીસીટીવી ફૂટેજ હાથ લાગતાં તેને આધારે તપાસ કરી હતી. દરમિયાનમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે અજબડી મીલ પાસે તેમને જોઇ ઉતાવળે ચાલવાનો પ્રયાસ કરનાર બે શકમંદને ઝડપી પાડતાં તેમની પાસે ચાંદીની ત્રણ વાટકી અને એક ઝારી મળી આવ્યા હતા.જેથી પોલીસની શંકા વધુ મજબૂત બની હતી.પીઆઇ આર જી જાડેજાએ વધુ પૂછપરછ કરતાં તેમના નામ શાકુતસિંગ બહાદૂરસિંગ તિલપિતિયા (સિકલીગર) અને રઘબીરસિંગ ધનસિંગ બાવરી(સિકલીગર) (બંને રહે.એકતા નગર,આજવારોડ) હોવાનું ખૂલ્યું હતું.
આ પૈકી રઘબીરસિંગને તડીપાર કરવામાં આવ્યો હોવા છતાં તે શહેરમાં ચોરીઓ કરતો હતો.પોલીસે બંનેની પૂછપરછ કરતાં એક સપ્તાહ પહેલાં કારેલીબાગના જ્વેલર્સને ત્યાં કરેલી ચોરીની કબૂલાત કરી હતી.પોલીસે બંને પાસેથી કુલ ૨ કિલો જેટલા વજનની ચાંદીની મૂર્તિઓ અને વાસણો કબજે કરી સાગરીતોની શોધખોળ હાથ ધરી છે. કારેલીબાગ પોલીસે બંનેને રિમાન્ડ પર લેવાની તજવીજ કરી છે. કારેલીબાગના જ્વેલર્સને ત્યાં ચોરી કરવા માટે આવેલા ચોરો ગેસ સિલિન્ડર અને કટર લઇને આવ્યા હતા. ચોકસીને ત્યાં મોટો હાથ મારવા માટે પૂરી તૈયારી કરી આવેલા ચોરો કારમાં આવ્યા હતા અને સિલિન્ડર અને ગેસકટર વડે તાળાં તોડયા હતા.
Reporter: admin