અમદાવાદ: ગેરકાયદેસર દબાણો સામે તંત્રની લાલ આંખ યથાવત છે. અમદાવાદમાં ફરી એકવાર તંત્ર દ્વારા મોટાપાયે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આજે કુબેરનગર વિસ્તારમાં આવેલા કમલ (ઉમલા) તળાવ ખાતે કોર્પોરેશનની ટીમ ત્રાટકી હતી અને અંદાજે 150 જેટલા દબાણો તોડી પાડ્યા હતા.તંત્ર દ્વારા દબાણકર્તાઓને અગાઉ જગ્યા ખાલી કરવા માટે કાયદેસરની નોટિસ આપવામાં આવી હતી. જોકે, દબાણ યથાવત રહેતા આજે સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેસીબી અને બુલડોઝરની મદદથી કાચા-પાકા મકાનો જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા.વર્ષોથી રહેતા લોકોના મકાનો તૂટતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ તંત્ર પાસે માંગ કરી હતી કે તેમને રહેવા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે.
અસરગ્રસ્તોએ જણાવ્યું હતું કે, જો સરકાર તેમને અન્ય સ્થળે રહેવાની વ્યવસ્થા કરી આપે તો તેઓ ત્યાં જવા માટે તૈયાર છે, પરંતુ અચાનક છત છીનવાઈ જતાં તેમની હાલત કફોડી બની છે.સ્થાનિક પોલીસની હાજરીમાં તંત્રએ ઘર પર બુલડોઝર ફેરવતા સ્થાનિકો ચોધાર આંસુએ રડી પડ્યા હતા. મહિલા, બાળકો, વૃદ્ધો નજર સામે ઘર તૂટતાં જોઈ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. સ્થાનિકોની માંગ છે કે સરકાર ઘર તોડી રહી છે તો તેમને રહેવા માટે બીજી વ્યવસ્થા કરવામાં આવે. તળાવની આસપાસ કુલ 150 ઘર તોડવામાં આવ્યા છે. જોકે આ વિસ્તારમાં આવેલું ખોડિયાર માતાનું મંદિર હાલ પૂરતું તોડવામાં આવશે નહીં.
Reporter: admin







