એલઆર઼ડી પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે એસ.ટી ખાસ બસની વ્યવસ્થા
વડોદરા સહિત આખા ગુજરાતમાં આવતીકાલે તા.15 જૂન, રવિવારે એલઆરડી(લોક રક્ષક દળ)ની પરીક્ષા લેવામાં આવશે.
આ પરીક્ષાના આયોજન માટે વડોદરા શહેરમાં પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પરીક્ષા આપવા આવનારા અન્ય વિભાગો સાથે પણ સંકલન સાધવામાં આવ્યું છે.આજે પરીક્ષાની તૈયારીઓની પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે ચકાસણી કરી હતી. તેમણે પેપરો જ્યાં મૂકવામાં આવે છે તે સ્ટ્રોંગરૂમની પણ મુલાકાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, વડોદરા શહેરના 119 કેન્દ્રો પર 35000 જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે. આ ઉમેદવારો રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી આવશે. તેમને તકલીફ ના પડે તે માટે રેલવે સ્ટેશન, એસટી ડેપો ખાતે હેલ્પ સેન્ટર પણ ઉભા કરવામાં આવશે. પરીક્ષાના પેપરો સેન્ટરો પર પહોંચાડવા માટે અને પાછા લાવવા માટેની કામગીરીનું ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ મોનિટરિંગ કરશે. સાથે સાથે પોલીસ તંત્રના અધિકારીઓએ રીક્ષા ચાલકોના યુનિયનના હોદ્દેદારો તેમજ એસટી વિભાગના અધિકારીઓ સાથે પણ બેઠક યોજી હતી. ઉમેદવારો માટે સેન્ટ્રલ એસટી ડેપો અને નવલખી મેદાન ખાતે એસટી બસો મૂકવામાં આવનાર છે.
ઉપરાંત રેલવે સ્ટેશન, બસ ડેપોની બહાર અને નવલખી મેદાન ખાતે પૂરતા પ્રમાણમાં રીક્ષાઓ ઉપલબ્ધ રહે તે માટે યુનિયનના હોદ્દેદારોને સૂચના આપવામાં આવી છે. નરસિમ્હા કોમારે વધુમાં કહ્યું હતું કે, ઉમેદવારો પરીક્ષા સમયે કેન્દ્રો પર સમયસર પહોંચી શકે તેને ધ્યાનમાં રાખીને ટ્રાફિક જામ ના સર્જાય તે માટે પણ પોલીસ તંત્ર સતર્ક રહેશે. સાથે સાથે પરીક્ષા કેન્દ્રોના 100 મીટરની અંદર ફોટો કોપી સેન્ટરો બંધ રહે તેનું ધ્યાન રખાશેઆ સાથે આગામી 15 જૂને શહેરમાં એલઆરડી પરીક્ષા યોજાશે. બનાસકાંઠા, મહેસાણા સહિત 5 જિલ્લામાંથી મોટી સંખ્યામાં ઉમેદવારો પરીક્ષા આપવા વડોદરા આવશે. જેથી ઉમેદવારોને પૂરતી પરિવહન સેવા ઉપલબ્ધ કરાવી શકાય તે માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ-વડોદરા વિભાગ દ્વારા વધારાની 300થી 400 બસો ફાળવવામાં આવી છે. બનાસકાંઠા તથા મહેસાણા જિલ્લાનાં ઉમેદવારો માટે પરત જવા નવલખી ગ્રાઉન્ડ ઉપરથી એક્સ્ટ્રા બસો ઉપાડવાનું આયોજન કરાયું છે. જ્યારે અન્ય જિલ્લામાંથી ઉપસ્થિત રહેનાર પરીક્ષાર્થીઓ માટે વડોદરા મધ્યસ્થ બસ સ્ટેશન ખાતેથી પરત જવા બસો ઉપાડવાનું આયોજન કરવામાં આવેલું છે. તેમજ નિગમના વડોદરા વિભાગ હસ્તક આવતાં છોટાઉદેપુર જિલ્લામાંથી સુરત જનાર વિદ્યાર્થીઓ માટે પણ બોડેલી તથા છોટાઉદેપુર ડેપોથી વધારાની બસો ઉપાડાશે.
Reporter: admin