દરેક સ્કૂલમાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે. એવામાં બાળકો મોબાઈલનો ઉપયોગ ઓછો કરે અને ઇતર પ્રવૃત્તિમાં વધુ રસ ધરાવે એ હેતુથી માતા પિતા બાળકોને સમર કેમ્પમાં મુકતા હોય છે. તો આવા સમયે સમર કેમ્પ બાળકોના જીવનમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. બાળક જે પણ સમર કેમ્પમાં શીખશે એજ વર્તન આગળ જઈને કરશે. તેથી આવા સંજોગોમાં વડોદરા શહેરની વધુ એક દીકરી દ્વારા સરાહનીય પ્રયાસ કરાયો છે.
વડોદરા શહેરની પોતાનો વ્યવસાય કરતી દીકરી ધ્રુવી પટેલ દ્વારા માંજલપુરના લક્ષ્મીનારાયણ મંદિરમાં ભૂલકાઓ માટે ખાસ સમર કેમ્પનું આયોજન કરાયુ છે. જેમાં બાળકો નાનપણથી જ ભારતીય પરંપરા અનુસરે અને ભારતીય સંસ્કૃતિની રિસ્પેક્ટ કરે તે ઉદ્દેશથી સમર કેમ્પનું આયોજન કરાયુ છે.
જેની માહિતી આપતા સમર કેમ્પના આયોજક ધ્રુવી પટેલે જણાવ્યુ કે, વર્ષ 2017માં શ્રી વૈષ્ણવ વિચાર કેમ્પની શરૂઆત કરાઈ હતી. આ સમર કેમ્પ 3 થી 12 વર્ષના બાળકો માટે આયોજિત કરાય છે. જેમાં બાળકો નાનપણથી જ ભારતીય પરંપરા અનુસરે અને ભારતીય સંસ્કૃતિની રિસ્પેક્ટ અને સંસ્કારનું પાલન કરે તે આ સમર કેમ્પનો મુખ્ય ઉદ્દેશ છે. હાલ આ સમર કેમ્પમાં 140 બાળકો જોડાયા છે.
સમર કેમ્પમાં બાળકોને પ્રાર્થના, ભગવદ્દ ગીતાના શ્લોક, ડાન્સ, સ્પોર્ટ્સ એક્ટિવીટી તથા વિવિધ કોમ્પિટીશનનું આયોજન કરવામાં આવતું હોય છે. તથા જે બાળક સારું પ્રદર્શન કરે એમને ગિફ્ટ પણ આપવામાં આવે છે. તથા દરરોજ સમર કેમ્પના અંતે પૌષ્ટિક નાસ્તો પણ બાળકોને આપવામાં આવતો હોય છે. સમર કેમ્પ 7 થી 10 દિવસનો હોય છે, જેમાં એક દિવસમાં 2 થી 3 કલાક જેટલો સમય બાળકો માટે હોય છે.
Reporter: News Plus