વડોદરા :અંકોડિયા ગામની સીમમાંથી સવારે યુવતીનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી હતી. બનાવ અંગે ગામના સરપંચે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે તુરંત સ્થળ પર પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
હાલ યુવતીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યો છે. જેનો રિપોર્ટ આવ્યાં બાદ જ મોતનું ચોક્કસ કારણ જાણવા મળશે.બનાવ અંગે અંકોડિયા ગામના સરપંચ ઉલપેશ પટેલ સાથે વાત કરતા તેઓ જણાવ્યું હતુ કે, અંકોડીયાથી શેરખી કેનાલ તરફ જવાના રસ્તે બાપા સીતારામની મઢુલી આવેલી છે, જેની બાજુમાં આવેલા ખેતર પાસે એક આજે સવારે નવથી સાડા વાગ્યાની આસપાસ યુવતીનો મૃતદેહ પડેલો જોવા મળ્યો હતો. જેથી મેં તુરંત આ અંગે તાલુકા પોલીસને જાણ કરી હતી.તેમણે વધુમાં જણાવ્યું કે, પોલીસને જાણ કરાતા તેઓ તાત્કાલીક સ્થળ પર આવી પહોંચ્યાં હતા. પ્રાથમિક તબક્કે યુવતીની લાશે જોતા તેના શરીર ઉપર થોડા ઘસારા જોવા મળ્યાં હતા.
પોલીસે યુવતીના મૃતદેહનો કબજો મેળવી હાલ પોસ્ટ મોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે.આ મામલે તાલુકા પોલીસ સ્ટેશનની પી.આઇ વિક્રમસિંહ ટાંક સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતુ કે, અંકોડિયા ગામની સીમમાંથી આજે સવારે એક અજાણી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. હાલ યુવતીના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવી રહ્યું છે. યુવતીની ઉંમર આશરે 25થી 30 વર્ષની હોવાનું અનુમાન છે. હજી સુધી યુવતીની ઓળખ છતી થઇ નથી, તેના મોતનું ચોક્ક્સ કારણ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યાં બાદ જ માલુમ પડશે.
Reporter: admin







