વડોદરાના નેતાઓ હવે કોર્પોરેટ ફંડ એકત્ર કરવાનો નવો કિમીયો શીખી ગયા છે. નવા નવા ફંડા ઉભા કરીને આયોજનો કરાવાના અને ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને બોલાવવાના અને લોકોને ભેગા કરીને વાહવાહી કરાવવી.

શહેરમાં છાશવારે એવા ઘણા કાર્યક્રમો થાય છે જે જોઇને અવુ લાગે કે આ કાર્યક્રમની કોઇ જરુર ન હતી. સામાન્ય લોકો માટે ભલે જરુરી ના હોય પણ નેતાઓ માટે તે ખુબ જરુરી હોય છે કારણકે તેના ઉપર જ તેમનું વર્તમાન અને ભવિષ્ય ટકેલું હોય છે. વડોદરામાં મેરેથોનનું આયોજન કરાવીને લોકોની ભીડ એકત્ર કરાવી રાજ્યના મુખ્યમંત્રીને ઉદ્ધાટન માટે બોલાવાય છે. જેથી આસાનાથી પોલીસ મંજૂરીથી માંડીને તમામ પ્રક્રિયા પૂર્ણ થઇ જાય છે અને કોર્પોરેટ અને રાજ્યના મુખ્યમંત્રીને પણ સારુ લાગે છે. મેરેથોન જેવા કાર્યક્રમોનો તો વડોદરાના રાજકારણીઓ ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. કારણકે તેમને તો પારકા પૈસાથી શક્તિ પ્રદર્શનનો લ્હાવો મળી જાય છે.મેરેથોન ભલે કોર્પોરેટ્સ આયોજન કરે પણ સૌ જાણે છે કે તે ભાજપ સાથે જ જોડાયલી છે અને નેતાઓ કોર્પોરેટ્સ ફંડ આવા આયોજનો કરીને એકત્રીત કરી લે છે.શહેરમાં મેરેથોનનું આયોજન , સુંદરકાંડ, ગરબા, રેલી, શિવજી યાત્રા, ગણપતિ પંડાલ, ડાયરા,દહી હાંડી, ભંડારા, બ્લ્ડ કેમ્પ જેવા કાર્યક્રમોનું આયોજન કરીને કે પછી બાબા બાગેશ્વર સહિતના સ્થાનિક બાવા-સાધુ- સંતોને બોલાવીને છાશવારે ભીડ એકત્રીત કરાય છે. આવા કાર્યક્રમો બીજુ કંઇ નહીં પણ એક પ્રકારે શક્તિ પ્રદર્શન હોય છે અને વડોદરાના નેતાઓને આવા કિમીયા કરીને પોતાનું શક્તિ પ્રદર્શન કરવાની જાણે કે આદત પડી ગઇ છે.

કેટલાક નેતાઓ તો લોકોને એક દિવસની યાત્રા પણ કરાવે છે. આવું કરીને તે તેમના પક્ષના મોવડીઓને એક પ્રકારે મેસેજ મોકલે છે કે જુવો મારી પાછળ કેટલા લોકો છે અને તમારા માટે હું કેટલો અગત્યનો છું. આવા કાર્યક્રમો યોજીને ભલે પછી તે કોર્પોરેટની સાથે મળીને કર્યો હોય પણ એવું બતાવવાનો પ્રયાસ કરાય છે કે જાણે આ ભાજપનો કાર્યક્રમ છે અને એકત્ર થયેલા લોકો ભાજપનો કાર્યક્રમ હોવાથી કાર્યક્રમમાં આવેલા છે. મારા કારણે આ કાર્યક્રમમાં લોકો આવ્યા છે. મેરેથોન જેવા કાર્યક્રમો યોજીને તો ફંડ પણ ભેગુ કરી લેવાય છે. આવા કાર્યક્રમો 1થી 5 કરોડ સુધીના હોય છે. સરકારી મશીનરીનો દુરપયોગ કરી વાહવાહી કરવાનો પ્રયાસ આવા કાર્યક્રમોમાં તો પાછો સરકારી મશીનનરીનો બેફામ દુરપયોગ થાય છે. સરકારના મુખ્યમંત્રી કે મંત્રી આવવાના હોય એટલે પોલીસ તંત્ર, કલેક્ટર તંત્ર, કોર્પોરેશન તંત્ર,વીજ કંપની સહિત તમામ સરકારી વિભાગો પણ આ કાર્યક્રમમાં જબરજસ્તીથી જોડાય છે અને નેતાઓને પછી માત્ર બડાશો હાંકવા સિવાય કંઇ કામ રહેતું નથી. કારણકે બધું કામ ફરજિયાતપણે સરકારી વિભાગો કરતા હોય છે. જેથી તેમને આરામ થઇ જાય છે. મેરેથોન જેવા આયોજનો ભલે કોર્પોરેટ દ્વારા કરાય પણ તેની ઉપર રીતસર ભાજપના નેતાઓ કબજો જમાવી દે છે. આવા કાર્યક્રમોમાં ભાજપના નેતાઓની સતત હાજરી રહે છે અને ઉદ્ઘાટન કરાવે છે તથા આરતી કરાવે છે અને જાહેરમાં સન્માન પણ કરાવે છે. સરકારી મશીનરીનો દુરપયોગ કરવાની સાથે તેઓ મેરેથોન જેવા કાર્યક્રમો માટે સ્પોન્સરર શોધે છે અને જરુરિયાત કરતા દસ ગણું ફંડ પણ ભેગું કરી લે છે. પાછું પોતાનો કાર્યક્રમ સફળ થાય અને પોતાને વાહવાહી મળે તે માટે નેતાઓ મુખ્યમંત્રી કે ગૃહ મંત્રીને પણ ઉદ્ઘાટન કરવા બોલાવે છે એટલે પાલિકાનું તંત્ર પોલીસ સહિત તમામ સરકારી વિભાગો ખડેપગે થઇ જાય છે. રસ્તાઓની સફાઇ થઇ જાય છે. રસ્તાઓ પરના ખાડા પુરાઇ જાય છે અને નેતાઓની પ્રજામાં વાહવાહી થઇ જાય છે અને લોકો પણ વખાણ કરવા માડે છે જેથી તેમની પણ પ્રસિદ્ધી થઇ જાય છે. વડોદરાના નેતાઓને પારકે પૈસે લીલાલહેર કરવાની આદત પડી ગઈ છે.જનતાના પૈસે જ મહાન બનવાની તેમની ફાવટ છે. ઘરનો એક પણ રુપિયો ખર્ચ્યા વગર સરકારી તિજોરીના પૈસે કાર્યક્રમો યોજીને કે પછી કોર્પોરેટ્સના ખર્ચે કાર્યક્રમો યોજીને વડોદરાના નેતાઓ મહાન બની જાય છે. જેમકે યોગેશ પટેલ શિવજીકી સવારી કાઢે છે અને સુવર્ણજડિત મૂર્તીની પૂજા પણ રાજ્યના મોટા નેતાઓ દ્વારા કરાવડાવે છે.બાળુભાઈ ટીમ વડોદરાનું આયોજન કરી સસ્તી પ્રસિદ્ધ મેળવે છે.સુંદરકાંડ તો ભાજપનાં મોટાભાગનાં નેતાઓ-હોદ્દેદારો બારે માસ કરાવતા થઈ ગયા છે.મુળ ટોળા ભેગા કરીને શક્તિપ્રદર્શનનો જ આશય હોય છે. અન્ય નેતાઓ પણ આવા કાર્યક્રમો આખુ વર્ષ કરતા રહે છે કારણ કે તેમને ધારાસભ્ય,સાંસદ કે પ્રમુખ થવું હોય છે અને લોકોની ભીડ હાઇકમાન્ડને બતાવીને ભવિષ્યમાં ચૂંટણીની ટિકીટ મળે તેવા પ્રયાસો કરતા હોય છે.જેથી વડોદરાના નેતાઓ સંપૂર્ણ સુઝબુઝ સાથે દિર્ઘદ્રષ્ટા પણ છે. પારકે પૈસે લહેર કરવાની આવડત તેમનામાં જ જોવા મળે છે.
Reporter: