સુખલીપુરા જમીન વિવાદમાં શહેર પોલીસની ઇકો સેલની ટીમ દ્વારા મહત્વના આરોપી કમલેશ દેત્રોજાને ઝઢપી લેવાયો છે.
પોલીસે રાત્રે 11 વાગે તેના ઘેરથી કમલેશને ઝડપી લીધો હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે તેને અદાલત સમક્ષ રજૂ કરીને 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને મામલાની ઉંડી તપાસ શરુ કરાઇ છે. કમલેશ અને દિલીપે નકલી ખેડૂત બનીને મુળ જમીન માલિકની જાણ બહાર આ પ્રકારે કેટલી જમીનો વેચી દીધી છે તે સહિતના મુદ્દાઓ પર પણ પોલીસે ઉંડી તપાસ શરુ કરી થે, શહેર પોલીસની ઇકો સેલ શાખાના પીઆઇ આર એસ ઠાકર અને તેમની ટીમ સુખલીપુરા જમીન કૌંભાડના આરોપી કમલેશ દેત્રોજા તથા ભાજપના કાર્યકર દિલીપ ગોહિલની સઘન શોધખોળ કરી રહી હતી. દરમિયાન, પીઆઇ ઠાકરને શુક્રવારે રાત્રે બાતમી મળી હતી કે કમલેશ લાલજીભાઇ દેત્રોજા તેના અટાલાદરા વિસ્તારમાં નારાયણવાડી પાછળ આવેલી વાત્સલ્યકુંજ સોસાયટીના મકાન ખાતે આવ્યો છે જેથી પોલીસે શુક્રવારે રાત્રે 11 વાગે તેના ઘેર દરોડો પાડ્યો હતો જેમાં કમલેશ દેત્રોજા પકડાઇ ગયો હતો.
પોલીસે આજે કમલેશને અદાલતમાં રજૂ કરીને 3 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે કોર્પોરેટર પરાક્રમસિંહ સાથે પરસ્પર સમજૂતી કરાર કરીને મેળવેલા રોકડા 21 લાખ તથા દસ્તાવેજ કરતી વખતે 12476200 રુપિયાના એચડીએફસીના બેંકના ચેકો તથા મોબાઇલ ફોન અને બોગસ જમીન માલિકને રજૂ કરી મુળ ખેડૂતના આધાર કાર્ડ તથા પાનકાર્ડનો કેવી રીતે ઉપયોગ કરેલો તથા આ કૌંભાડ સાથે સંકળાયેલા વધુ દસ્તાવેજો રીકવર કરવા સહિતના મુદ્દાઓ રજૂ કરીને કમલેશના રિમાન્ડની માગણી અદાલત સમક્ષ કરાઇ હતી જેથી પોલીસે 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે કમલેશ દેત્રોજા અને દિલીપે નકલી જમીન માલિક બનીને કેટલા લોકોની જમીન ખેડૂતની જાણ બહાર વેચી દીધી છે તેની પણ ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.ઉલ્લેખનિય છે કે શહેર ભાજપના કદાવર નેતા અને પ્રમુખપદના દાવેદાર અને વોર્ડ નંબર 3ના કોર્પોરેટર સાથે ભાજપના જ કાર્યકર અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના પૂર્વ ચેરમેન દિલીપ ગોહિલ અને તેના સાગરીત કમલેશ દેત્રોજાએ સુખલીપુરાની જમીન વેચવાના બહાને 21 લાખ પડાવી લીધા હતા અને સબ રજીસ્ટ્રાર કચેરીમાં બોગસ જમીન માલિક ઉભો કરીને છેતરપીંડી કરી હતી. ઠગાયેલા પરાક્રમસિંહે સમા પોલીસમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી. સમા પોલીસે આ મામલે બોગસ જમીન માલિક જુમાનજી સોઢાને ઝડપી લીધો હતો. તેણે કમલેશ અને દિલીપે 5 લાખ આપ્યા હોવાની કબૂલાત પણ કરી હતી. કમલેશ પકડાયો કે હાજર થયો ?પોલીસ કમલેશની હવે ઉંડી પૂછપરછ કરી રહી છે. કમલેશ આ ગુનાનો મહત્વનો આરોપી છે અને તે પકડાઇ જતાં હવે દિલીપ પણ ઝડપથી પોલીસની ઝપટે ચડી જશે. ચર્ચાતી વિગતો મુજબ કમલેશ માટે ભાગતા ફરવું હવે યોગ્ય ન હતું અને તે સામે ચાલીને પોલીસ સમક્ષ હાજર થયો છે. કમલેશ હવે વટાણાં વેરી દે તેવી શક્યતા છે અને કમલેશે આપેલી વિગતોથી દિલીપની પણ ઉંઘ ઉડી જશે કારણ કે બંને પાક્કા મિત્રો છે અને લોકોને ઠગવાના ગુનાઓમાં પણ સરખા ભાગીદાર છે જેથી દિલીપના ગુનાઓ પણ કમલેશ ઉજાગર કરી દેશે. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે ત્યારે વધુ ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે. બીજી તરફ પોલીસ દિલીપને પણ શોધી રહી છે. તેના આશ્રયસ્થાનો પર ઉંડી વોચ રખાઇ રહી છે.
Reporter: admin