વર્ષ -2024મા આરોપી પોતે પરણિત હોવા છતાં સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી અવારનવાર શારિરીક સંબંધ બાંધ્યો હતો
વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં વર્ષ -2024 માં એક પરણિત ઇસમે સગીરાને પટાવી ફોસલાવી,લગ્નની લાલચ આપી બહાના હેઠળ ભગાડી જઇ અવારનવાર શારિરીક સંબંધ બાંધ્યો હોવાનો ગુનો ડેસર પોલીસ સ્ટેશનમાં નોધાયો હતો જેમાં આરોપીની ધરપકડ બાદ પોલીસે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આરોપીને જેલમાં મોકલી આપવાનો હૂકમ કર્યો હતો

આ કેસ સ્પેશિયલ જજ (પોક્સો) તથા 9મા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાવલી કોર્ટમાં ચાલી જતાં કોર્ટે બંને પક્ષોના વકીલોની રજૂઆતો, પૂરાવાઓ તથા સાક્ષીઓના નિવેદનને ધ્યાનમાં રાખીને આરોપીને આજીવન કેદની તથા રૂ.1લાખના દંડ તથા સંબંધિત બીએનએસ ની કલમો હેઠળ સજા ફટકારી છે.વર્ષ 2024મા ડેસર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના ઉદલપુર નગરીમાં રહેતા અને છૂટક મજૂરી કરતા સંતોષકુમાર કિરણભાઇ ઇશ્વરભાઇ પરમાર સામે તા. 12-11-2024 ના રોજ ફરિયાદ નોંધાઇ હતી જે મુજબ આરોપી સંતોષ કુમારે ફરિયાદીની સગીર વયની દીકરી (બનાવ સમયે ઉંમર 16 વર્ષ,9માસ અને 6દિવસ) ને તા. 14-10-2024ના રોજ સાંજે છ વાગ્યા થી સાડા છ વાગ્યા દરમિયાન કોઇપણ સમયે તા.10-11-2024 ના રોજ સવારે 11 થી 4 વાગ્યા સુધીમાં ઉદલપુર ગામેથી ભોગ બનનાર સગીર છે તેવું સંતોષકુમાર જાણતો હોવા છતાં લગ્નના ઇરાદે, પટાવી ફોસલાવી આરોપીએ પોતાની પત્ની લક્ષ્મીબેનને હોસ્પિટલ લઇ જવાના બહાને ઉદલપુર થી બાલાસિનોર ખાતે લઇ ગયો હતો જ્યાં પોતાની પત્નીને હોસ્પિટલમાં દાખલ કરી સગીરાને ભગાડી જઇ અપહરણ કરી પહેલાં ઘરે અને ભગાડ્યા બાદ કલોલ તાલુકાના ધનોર ખાતે સગીરા સાથે અવારનવાર શરીર સંબંધ બાંધી ગુનો આચર્યો હોવાના ગુનામાં પોલીસે ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કરતાં આરોપી સંતોષકુમારને કસ્ટડીમાં મોકલી અપાયો હતો.
આ કેસમા ફરિયાદી પક્ષે એપીપી સી. જી.પટેલ દ્વારા પૂરાવાઓ, સાક્ષીઓના નિવેદનો સાથે રજૂઆતો કરી હતી જેમાં ભારતીય ન્યાય સંહિતા ની કલમ 258(2) અનન્વયે ભારતીય ન્યાય સંહિતા ની કલમ 137(2) ના ગુના સબબ દોષિત ઠેરવી 7 વર્ષની સખત કેદ તથા રૂ.5,000 ના દંડનો હૂકમ કર્યો છે. જો આરોપી દંડની રકમ ન ચૂકવે તો વધુ છ માસની સાદી કેદનો હૂકમ કર્યો છે. ભારતીય ન્યાય સંહિતા ની કલમ 87 ના ગુના સબબ તકસીરવાન ઠેરવી આરોપીને 10 વર્ષની સખત કેદ તથા રૂ.10,000ના દંડનો હૂકમ કર્યો છે અને જો આરોપી દંડની રકમ ન ચૂકવે તો વધુ છ માસની સાદી કેદનો હૂકમ કર્યો છે.જ્યારે આરોપીને ભારતીય ન્યાય સંહિતા ની કલમ 64(2)(એમ) તથા પોક્સો એક્ટની કલમ 4, 5 (એલ) સાથે વંચાતા કલમ -6 મુજબના ગુનામાં દોષિત ઠરાવી આજીવન કેદ તથા રૂ.1,00,000ના દંડનો હૂકમ કર્યો છે અને જો આરોપી દંડની રકમ ન ચૂકવે તો વધુ એક વર્ષની સખત કેદનો હૂકમ કર્યો છે સાથે જ ભોગ બનનાર પિડિતાને રૂપિયા ચાર લાખ વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે.
Reporter: admin







