ચૂઇ ગેંગે છેલ્લા 10 વર્ષમાં 128 ગુના આચર્યા હતા.
વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં ધાક જમાવવા જીવલેણ હુમલા કરતી અને મોટાપાયે દારૂનો વેપલો કરતી ચૂઇ ગેંગ સામે વડોદરા પોલીસે ગુજસીટોકનો ગુનો કર્યો હતો. અને આરોપીની ધરપકડ કરી હતી.
આજે ચુઇ ગેંગના 6 આરોપીઓને રાજ્યની અલગ-અલગ જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં ખૂન, હત્યાની કોશિશ, ખંડણી, મારામારી, દારૂની હેરાફેરી જેવા 128 ગુના આચરનાર સૂરજ ઉર્ફે ચૂઇ રમણભાઇ કહારે પોતાના મોટાભાઇ કૃણાલ કહાર સાથે મળી ચૂઇ ગેંગ બનાવી હતી. ચૂઇ ગેંગે છેલ્લા 10 વર્ષમાં 128 ગુના આચર્યા હતા. જે પૈકી પોલીસે 64 ગુનાને ધ્યાનમાં લઇ તપાસ હાથ ધરતા આ ગેંગના કુલ સાત સાગરિતો સંગઠીત થઇ ગુનાખોરી આચરતા હતા. પોલીસ તંત્ર દ્વારા તેમની ધરપકડ અને પાસા જેવા અટકાયતી પગલાં ભરવા છતાં આ ટોળકીએ ગુના આચરવાનું છોડ્યું ના હતું તેમજ જેલમુક્ત થતાં જ ફરી ગુના આચરતા હોવાથી તેમની ગુનાહિત પ્રવૃત્તિ ઉપર અંકુશ મેળવવા ગુના શોધક શાખાએ ચૂઇ ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવા પોલીસ કમિશ્નર પાસે મંજૂરી માંગી હતી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ચૂઇ ગેંગ સામે પાણીગેટ પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો હતો. જેની તપાસ મદદનીશ પોલીસ કમિશ્નર ડી.જે. ચાવડાએ સંભાળી લઇ અગાઉ 6 આરોપીની ધરપકડ કરી હતી.આરોપીઓ વડોદરા મધ્યસ્થ જેલથી પરિચિત છે અને ત્યાં સાથે રહીને પરોક્ષ રીતે અન્ય ગુનાઓ આચરી શકે છે અથવા તપાસને પ્રભાવિત કરી શકે છે. આ શક્યતાને ધ્યાનમાં રાખીને તેને અલગ-અલગ જેલોમાં તબદીલ કરવાનો નિર્ણય લેવાયો છે.
કયા આરોપીને કઈ જેલમાં મોકલાયો
પોલીસે સુરજ ઉર્ફે ચુઇ રમણભાઇ કહાર - લાજપોર મધ્યસ્થ જેલ, સુરત, દીપકભાઇ ઉર્ફે દીપેશ દશરથભાઇ કહાર - અમદાવાદ મધ્યસ્થ જેલ, અમદાવાદ, પાર્થ ઉર્ફે સોનુ રાજુભાઇ બ્રહ્મભટ્ટ - પાલારા ખાસ જેલ, ભુજ, પ્રદીપ ઉર્ફે જાડીયો ઠાકોરભાઇ ઠક્કર - રાજકોટ મધ્યસ્થ જેલ, રાજકોટ, રવિ સુભાષભાઇ માછી - મહેસાણા જિલ્લા જેલ, મહેસાણાકૃણાલ રમણભાઇ કહાર - રાજપીપળા જિલ્લા જેલ, રાજપીપળાને પોલીસે કોર્ટના હુકમ આધારે આજે ગુજરાત રાજ્યની અલગ-અલગ જેલમાં મોકલી દીધા છે.
Reporter: admin







