નવી દિલ્હી : તમિલનાડુમાં ચાલી રહેલા ભાષા વિવાદની વચ્ચે આંધ્ર પ્રદેશના મુખ્યપ્રધાન અને ટીડીપીના વડા ચંદ્રાબાબુ નાયડુએ એમ કે સ્ટાલિનને મોટો આંચકો આપતા જણાવ્યું છે કે હિંદી ભાષાથી નફરત કરવી જોઇએ નહીં.
સીએમએ જણાવ્યું છે કે જે લોકો પોતાની માતૃભાષામાં ભણે છે, તે સમગ્ર વિશ્વમાં સારુ પ્રદર્શન કરી રહ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે સામાન્ય ધારણા છે કે જ્ઞાાન ફક્ત અંગ્રેજીથી જ આવે છે જો કે આ વાત સાચી નથી.અમરાવતીમાં વિધાનસભાને સંબોધિત કરતા નાયડુએ જણાવ્યું હતું કે ભાષા ફક્ત કોમ્યુનિકેશન માટે હોય છે. જ્ઞાાન ભાષાથી આવશે નહીં. જે લોકો પોતાની માતૃભાષામાં ભણે છે તે સમગ્ર વિશ્વમાં સારું પ્રદર્શન કરી રહ્યાં છે. માતૃભાષાથી શીખવું ખૂબ જ સરળ છે.
આટલું જ નહીં તેમણે જણાવ્યું હતું કે હું તમને ખૂબ જ સ્પષ્ટ રીતે જણાવી રહ્યો છું કે ભાષા નફરત માટે નથી. આંધ્ર પ્રદેશમાં માતૃભાષા તેલુગુ છે. હિંદી રાષ્ટ્ર ભાષા છે અને આંતરરાષ્ટ્રીય ભાષા અંગ્રેજી છે. સીએમએ જણાવ્યું હતું કે લોકોએ પોતાની માતૃભાષાની સાથે કામ માટે અનેક ભાષાઓ શીખવી જોઇએ. તેમણે જણાવ્યું હતું કે હિંદી શીખવા માટે દિલ્હીમાં કોમ્યુનિકેશનમાં મદદ મળશે. જાપાન અને જર્મની જેવા દેશોની યાત્રા કરનારા લોકોનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે ભારતમાં આ ભાષાઓ શીખવાથી તેમને વિદેશ જવામાં સરળતા રહેશે.
Reporter: admin