અમદાવાદ : ચાંદખેડા વિસ્તારમાં આજે સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અહીં એક બસ અને મોંઘેરી એસયુવી કાર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો.

માહિતી મુજબ એએમટીએસની બસના પાછળના ભાગમાં SUV કાર ઘૂસી જતાં કારનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય એક હજુ કારમાં જ ફસાયેલો હોવાની જાણકારી મળી રહી છે જેની હાલત ગંભીર છે. સ્થાનિકોનો દાવો છે કે અકસ્માત સર્જનાર કારચાલકે એક બાઈકને પણ ટક્કર મારી હતી. પ્રાથમિક તપાસમાં જાણકારી મળી છે કે કારચાલકની બાજુમાં બેઠેલા વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે ડ્રાઈવર કારમાં ફસાઈ ગયો હતો જેને ગંભીર ઈજાઓ થઈ છે અને તેને બહાર કાઢવાના પ્રયાસ હાથ ધરાયા હતા.
માહિતી અનુસાર પૂરઝડપે કાર દોડી રહી હતી તે સમયે બાજુમાં એક લક્ઝરી બસ અને એએમટીએસની બસ પણ આવી જતા કારચાલક મુંઝાઈ ગયો અને કારને કાબૂમાં ન કરી શક્યો જેના કારણે કાર એએમટીએસ બસના પાછળના ભાગમાં ધડાકાભેર ઘૂસી ગઇ હતી.ઘટના વિશે એક સ્થાનિક મહિલાએ જણાવ્યું કે આ ઘટના જ્યાં બની હતી તેની સામે જ એમનું ફ્લેટ હતું. જેવા જ અમે ઘરમાં ઘૂસ્યાં જ હતા કે ત્યાં અમને ધડાકાભેર અકસ્માતનો અવાજ આવ્યો. અમે તરત દોડીને બચાવ કામગીરી કરવા માટે આવી ગયા. કોઈ હાથ નહોતો લગાવતો એટલે મેં લોકોને મદદ કરવા આગ્રહ કર્યો પછી લોકોએ જેમ તેમ કરીને એક વ્યક્તિ કે જે ડ્રાઈવર સીટ પર બેઠો હતો તેને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢ્યો જ્યારે બાજુની સીટ પર જે વ્યક્તિ બેઠો હતો તેને અમે બચાવી ના શક્યા. તે લગભગ મૃત્યુ પામી ગયો હતો. ત્યારબાદ ઘટના વિશે પોલીસને જાણ કરી દેવામાં આવી હતી જેના પછી અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
Reporter: admin