હ્યુસ્ટન : અમેરિકામાં સર્જનોએ છાતી ચીર્યા વિના અને છાતીના પિંજરાની પાંસળીઓ તોડ્યા વિના જ રોબોટિક હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં સફળતા મેળવી છે.
આ ઐતિહાસિક ઓપરેશન હ્યુસ્ટન સ્થિત બેયલર સેંટ લ્યુકસ મેડિકલ સેન્ટર ખાતે માર્ચની શરૂઆતમાં 45 વર્ષના દર્દી પર પાર પાડવામાં આવ્યું હતું. નવેમ્બર 2024થી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલાં એડવાન્સ હાર્ટ ફેઇલ્યોરના આ દર્દીના હૃદયને કામ કરવા માટે અનેક મિકેનિકલ ઉપકરણોની જરૂર પડતી હતી.સર્જરીના એક મહિના બાદ દર્દીને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઇ હતી અને એ પછી તેને કોઇ સમસ્યા થઇ નથી. બેયલર કોલેજ ઓફ મેડિસિનના પ્રોફેસર અને મુખ્ય સર્જ્યન ડો. કેનેથ લિયાઓએ નિવેદમ બહાર પાડી જણાવ્યું હતું કે આ ઓપરેશન કરવા માટે અમે છાતી ખોલવાને બદલે સર્જિકલ રોબોટનો ઉપયોગ કરી નાના છેદ કર્યા હતા.દર્દીના જુના હૃદયને કાઢવા તથા નવા હૃદયને બેસાડવા માટે પ્રિપેરિટોનલ સ્પેસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઓપરેશનમાં છાતીના પિંજરાના હાડકાંઓને કાપવામાં આવ્યા નહોતાં. પ્રત્યારોપણ યાને ટ્રાન્સપ્લાન્ટ સર્જરીઓમાં આ નવો અભિગમ ક્રાંતિકારી પુરવાર થશે. પરંપરાગત છાતી ખોલવાના અભિગમને ટાળી રોબોટિક ચોક્સાઇ દ્વારા સર્જરી કરી ટીમે સર્જરીને કારણે લાગતાં આઘાત, રક્તપાત અને ચેપ લાગવાના જોખમને નાટ્યાત્મક રીતે ઘટાડયુ હતું. ડો. લિયાઓએ જણાવ્યું હતું કે છાતી ખોલી છાતીના પિંજરાના હાડકાંને હટાવી સર્જરી કરવામાં આવે ત્યારે ઘાને રૂઝ આવવાના સમયમાં તથા દર્દીને સાજા થવામાં વાર લાગે છે.
ખાસ કરીને ઇમ્યુનોસપ્રેસન્ટ દવાઓ લેતાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ના દર્દીઓને આ પરંપરાગત પદ્ધતિમાં સાજા થવામાં ઘણીવાર લાગે છે. રોબોટ પ્રોસ્ટેટ સર્જરીથી માંડી વાલ્વ રિપેર કરવા સુધીની ઘણી સર્જરીઓમાં સહાય કરે છે પણ યુએસમાં આ પહેલીવાર આખું હૃદયનું પ્રત્યારોપણ રોબોટની સહાયથી પાર પાડવામાં આવ્યું છે. રોબોટની મિલિમીટર સ્તરની ચોકસાઇને કારણે ડોક્ટર્સની ટીમને નાના સર્જિકલ પોર્ટ દ્વારા ઓપરેટ કરવામાં સફળતા મળી હતી જેના કારણે છાતીના હાડકાંને કાપવાની કે પહોળું કાણું કરવાની જરૂર પડી નહોતી. આ પદ્ધતિને કારણે બ્લડ ટ્રાન્સફયુઝન કરવાની જરૂર ઘટે છે તથા એન્ટી બોડીઝ વિકસતાં પણ અટકી જાય છે, જે ઘણીવાર નવા હૃદયને નકારી કાઢે છે. સર્જરી બાદ દર્દી ઝડપથી હરીફરી શકે છે તથા તેના ફેફસાંની કામગીરી પણ સુધરે છે. પરંપરાગત ઓપન ચેસ્ટ સર્જરીમાં બળપૂર્વક છાતીના હિસ્સાને ખોલી હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે પણ આ નવા અભિગમમાં પ્રિઝર્વેશન ફર્સ્ટ એપ્રોચ અપનાવી હાડકાં , સ્નાયુ જાળવી રાખવામાં અને રક્તપાત ઘટાડવા પર ભાર મુકવામાં આવે છે. અત્યાર સુધી કાર્ડિયેક સર્જરીમાં રોબોટિક્સ સહાયક ભૂમિકા ભજવતું રહ્યું છે પણ હવે આ સીમાચિહ્ન ઓપરેશન સાથે મશીન નિર્દેશિત સર્જરીમાં નવો તબક્કો શરૂ થયો છે. જેના કારણે સંકુલ શસ્ત્રક્રિયાઓ વધારે સલામત બનશે.
Reporter: admin