સુરત: સુરતના વરાછા વિસ્તારમાં ફૂડ પોઈઝનિંગની એક કરુણ ઘટના સામે આવી છે. રણુજાધામ સોસાયટીમાં રહેતા એક જ પરિવારના પાંચ સભ્યોની તબિયત હોટલમાંથી લાવવામાં આવેલી શાકભાજી ખાધા બાદ લથડી ગઈ હતી. ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયેલી 5 વર્ષની બાળકી આર્યાનું મોત થયું છે, જ્યારે તેના માતા-પિતા અને અન્ય બે પુત્રીઓની સારવાર ચાલી રહી છે.
પરિજનોના જણાવ્યા અનુસાર, અશોકભાઈ ચતુરભાઈ કલસરિયા 15 ઓગસ્ટની સાંજે ઈશ્વરકૃપા વિસ્તારમાં આવેલી શીતલ રેસ્ટોરન્ટમાંથી બે પ્રકારનું શાક ખરીદીને ઘરે લાવ્યા હતા. રાત્રે પરિવારના તમામ સભ્યોએ સાથે ભોજન લીધું હતું. ભોજન લીધાના આશરે પાંચ કલાક બાદ અશોકભાઈ અને તેમની 5 વર્ષની પુત્રી આર્યાને પેટમાં ભારે દુખાવો શરૂ થયો હતો.
બંનેને નજીકની ક્લિનિકમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમની તબિયતમાં સુધારો થયો નહોતો. ત્યારબાદ અશોકભાઈની પત્ની જ્યોત્સનાબેન અને તેમની અન્ય બે પુત્રીઓની તબિયત પણ લથડી હતી. તેમને ઉલ્ટી, ઝાડા અને પેટમાં ભારે દુખાવાની ફરિયાદ થઈ હતી.
બંનેને નજીકની ક્લિનિકમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમની તબિયતમાં સુધારો થયો નહોતો. ત્યારબાદ અશોકભાઈની પત્ની જ્યોત્સનાબેન અને તેમની અન્ય બે પુત્રીઓની તબિયત પણ લથડી હતી. તેમને ઉલ્ટી, ઝાડા અને પેટમાં ભારે દુખાવાની ફરિયાદ થઈ હતી.
આર્યાની તબિયત અચાનક વધુ ગંભીર બનતા તેને સદ્વિચાર હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પરિજનોના જણાવ્યા મુજબ, હોસ્પિટલમાં દાખલ કર્યાના માત્ર 15થી 20 મિનિટમાં જ માસૂમ આર્યાએ દમ તોડી દીધો હતો. તબીબોના જણાવ્યા અનુસાર, ગંભીર ફૂડ પોઈઝનિંગને કારણે બાળકીનું મોત થયું હોવાનું જણાવાયું છે. બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે.
બીજી તરફ, જ્યોત્સનાબેન, અશોકભાઈ અને તેમની અન્ય બે પુત્રીઓને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ ઘટનાને પગલે પરિવાર અને સગાસંબંધીઓમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મૃત બાળકીના સગા બાબુભાઈ કલસરિયા અને પિતરાઈ ભાઈ ભાવેશભાઈ કલસરિયાએ તંત્ર સમક્ષ સમગ્ર મામલાની તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. પરિવારજનોએ આરોગ્ય વિભાગ અને ફૂડ સેફ્ટી વિભાગને પણ તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે.
પરિજનોનો આક્ષેપ છે કે રેસ્ટોરન્ટમાંથી લાવવામાં આવેલા શાક ખાધા બાદ જ પરિવારના સભ્યોની તબિયત બગડી હતી. જોકે, ફૂડ પોઈઝનિંગનું ચોક્કસ કારણ અને રેસ્ટોરન્ટની ભૂમિકા અંગેની હકીકત સંબંધિત વિભાગની તપાસ તથા ખાદ્યપદાર્થોના સેમ્પલના રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે.
Reporter: admin







