અમદાવાદ : મોટા આર્થિક ગોટાળામાં ફસાયેલા અને નાઈજિરીયામાં અબજોનો વેપાર કરતા ગુજરાતી ઉદ્યોગપતિ બંધુઓ માટે સુપ્રીમે મોટી રાહતની જાહેરાત કરી છે.
સ્ટર્લિંગ કંપનીના માલિક નીતિન અને ચેતન સાંડેસરા બંધુઓ સામે ૧૮,૦૦૦ કરોડની છેતરપિંડીનો કેસ ચાલી રહ્યો હતો. આ કેસમાં સાંડસરા બંધુઓ દ્વારા ૫૧૦૦ કરોડ ભરવાની તૈયારી દર્શાવવામાં આવી હતી. બીજી તરફ સરકાર પણ તેના માટે રાજી થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટે પણ આ સેટલમેન્ટને મંજૂરી આપતો આદેશ કરી દીધો છે. સુપ્રીમે જણાવ્યું કે, સાંડેસરા બંધુઓ દ્વારા ૧૭ ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં ૫૧૦૦ કરોડની રકમ જમા કરાવવામાં આવે તો તેમને તમામ ગુનામાંથી મુક્ત કરવામાં આવશે. ઉદ્યોગપતિ સાંડેસરા બંધુઓએ તેમના સોલિસીટર મુકુલ રોહતગી દ્વારા સેટલમેન્ટ માટે તૈયારી બતાવી હતી. કોર્ટમાં રજૂ થયેલી અરજી પ્રમાણે સરકારે પણ સમાધાનકારી વલણ અપનાવ્યું હતું. તેના પગલે સપ્રીમે સેટલમેન્ટનો આદેશ આપ્યો હતો. જાણકારોના મતે તેમણે બેન્ક લોન નહીં ભરવાના અને ડિફોલ્ટર થવાના કથિત આરોપમાંથી માત્ર ત્રીજા ભાગની રકમ ભરવાની આવશે.
સૂત્રોના મતે આ પહેલાં પણ સેટલમેન્ટના પ્રયાસ થયા હતા. તે દરમિયાન સ્ટર્લિંગ જૂથ દ્વારા ૩,૫૦૦ કરોડ જમા કરાવી દેવાયા છે. તે ઉપરાંત એનસીએલટી દ્વારા ૧૨૦૦ કરોડની વસુલાત પણ કરવામાં આવી છે. તે પ્રમાણે હવે માત્ર ૨,૦૦૦ કરોડની રકમ જ ભરવાની આવે તેમ છે. આ માટે સાંડેસરા બંધુઓ તૈયાર છે. તેઓ કુલ ૫૧૦૦ કરોડનું સેટલમેન્ટ કરશે. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૭માં દેશ છોડીને જતા રહેલા સાંડેસરા બંધુઓ આજે નાઈજિરિયામાં ધનકુબેર બની ગયા છે. મલ્ટિપલ સેક્ટરમાં તેમનો બિઝનેસ ફેલાયો છે અને તેઓ ફાર્માથી માંડીને એનર્જી સેક્ટર સુધી વિસ્તરી ગયા છે.
Reporter: admin







