દિલ્હી-એનસીઆરમાં આ દિવાળીએ માત્ર ગ્રીન ફટકાડાં જ ફોડી શકાશે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે, દિવાળીના બે દિવસ પહેલાં અને દિવાળી બાદ 18થી 21 ઓક્ટોબર સુધી માત્ર સવારે છથી સાત વાગ્યાથી અને રાત્રે આઠથી 10 વાગ્યા સુધી ગ્રીન ફટાકડાં ફોડી શકાશે.
સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય પર્યાવરણની સુરક્ષા અને વસ્તીના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતાં લેવામાં આવ્યો છે. ફટાકડાંના કારણે લોકોને ગંભીર નુકસાન થઈ રહ્યુ હોવાના અહેવાલોના પગલે સુપ્રીમ કોર્ટે તહેવારોના અધિકારમાં સંતુલન જાળવી રાખ્યું છે. અર્જુન ગોપાલની અરજી, ચીફ જસ્ટિસ બીઆર ગવઈની કોર્ટમાં ન્યાય મિત્ર દ્વારા ઉઠાવવામાં આવેલી ગંભીર ચિંતાઓ અને ફટાકડાંની તસ્કરીના મામલાને ધ્યાનમાં રાખતાં આ આદેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, છેલ્લા છ વર્ષમાં ગ્રીન ફટાકડાંની ગુણવત્તામાં સુધારો થયો છે. 2024માં જીએનસીટીડીએ ફટાકડાં પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો હતો. પરંતુ હવે દિલ્હી અને કેન્દ્ર સરકારે પ્રતિબંધ હળવા કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેના પગલે NEERI પ્રમાણિત ગ્રીન ફટાકડાંના વેચાણ અને ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે. આ ફટાકડાં પર QR કોડ અનિવાર્ય રહેશે અને અન્ય ફટાકડાંનો ઉપયોગ માટે મંજૂરી નથી. નિયમોના ઉલ્લંઘન કરનારાઓ પર આકરી કાર્યવાહી હાથ ધરાશે.
Reporter: admin







