અમદાવાદ :સુનિતા વિલિયમ્સ અને તેના સાથી બૂચ વિલ્મર સહિત અન્ય બે અવકાશયાત્રીની પૃથ્વી પર પરત આવી ચૂક્યા છે. સુનિતા વિલિયમ્સ અને તેના સાથીમિત્રો પૃથ્વી પર ભારતીય સમય પ્રમાણે રાત્રે 3 કલાકને 27 મિનિટે પહોંચી ગયા હતા.

લાંબા સમય બાદ સુરક્ષિત રીતે સુરક્ષિત રીતે સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર આજે પરત આવતા તેમના ગુજરાતમાં અમદાવાદ સ્થિત પિતરાઈ ભાઈ દિનેશભાઈ રાવલે હાશકારો અનુભવ્યો હતો. તેમણે કહ્યું કે ઈશ્વરનો આભાર કે સુનિતા હેમખેમ પૃથ્વી પરત આવી પહોંચી છે.સુનિતા વિલિયમ્સના પાછાં આવવાની ઘડીઓ ગણાઈ રહી હતી ત્યારે તેમના અમદાવાદમાં રહેતા પિતરાઈ ભાઈ દિનેશ રાવલએ સુનિતા વિલિયમ્સના બાળપણના કિસ્સાઓ સહિત અનેક રસપ્રદ વાતો જણાવી હતી.સુનિતા ખૂબ જ સાહસિક છે. મને અમારા દોલો માતાજી પર વિશ્વાસ છે. સુનિતાને સુરક્ષિત રીતે 19 તારીખે ધરતી પર લાવી દીધી હશે. સુનિતા વિલિયમ્સ પરત આવી જાય એ પછી તે 100 ટકા ભારતમાં અને અમારા ગામમાં દોલો માતાનાં દર્શન કરવા આવશે. જો એ નહીં આવે તો હું તેને કહીશ કે તારે અહીં આવવું જ પડશે. અહીં દર્શન કરીને તરત જતી રહેજે.બાળપણના પ્રસંગ અંગે વાત કરતાં દિનેશ રાવલે કહ્યું, 1958 સુધી સુનિતા વિલિયમ્સના પિતા ભારતમાં રહેતા હતા.
તેમના પિતાનો અભ્યાસ ભારતમાં જ થયો હતો અને ત્યાર બાદ તેઓ ડોક્ટર બન્યા હતા. ત્યાર બાદ આઈઝન હોવર સ્કીમ હેઠળ સુનિતાના પિતા અમેરિકા ગયા હતા, જ્યાં તેઓ અમેરિકાની હોસ્પિટલમાં નોકરી સાથે અભ્યાસ કરતા હતા. આ દરમિયાન તેમના લગ્ન થયા હતા. એ બાદ તેમને ત્રણ બાળકો થયાં હતાં, જેમાં બે દીકરી અને એક દીકરાનો જન્મ થયો હતો.'સુનિતા વિલિયમ્સના જન્મ પછી તેઓ ઘણીવાર ભારત આવી ચૂક્યાં છે. તેઓ જ્યારે પણ ભારત આવે એટલે અમારા ઘરે જ રોકાતાં હતાં. લગભગ સુનિતા પાંચેક વર્ષની હશે ત્યારે તેનું ફેમિલી ભારતમાં અમારા ત્યાં આવ્યું હતું. આ સમયે અમે તેને ઊંટ અને બળદગાડા પર બેસાડી હતી. આવા સમયે એવું બન્યું કે બળદગાડામાંથી બધા ઊતર્યાં એ પછી તે ત્યાં બેઠી હતી. ગાડાને કેવી રીતે ચલાવાય એ તેણે જોયું એટલે તેણે પણ બળદની જે રાસ(દોરડું) આવે એને ખેંચ્યું એટલે ગાડું ચાલવા માંડ્યું અને બધા ચિંતામાં આવી ગયા, પણ તે તો હસતી હતી. આ તો સારું થયું કે ગાડાના માલિકે સમયસર ગાડું રોકી લીધું.'આ જ દિવસે અમે સરસ મજાના શણગારેલા ઊંટ પર બેસાડી હતી. તેને એટલી મજા આવી કે ગમે તેટલા પ્રયત્ન કરીએ... તે ઊતરે જ નહીં. બહુ પ્રયત્ન કર્યા તો તે ઊંટના ગળે લટકી ગઈ એટલે પાછા અમે ચિંતામાં આવી ગયા કે હવે મુશ્કેલી ઊભી થશે, પણ છતાં તેને કોઈ ડર કે ગભરામણ નહોતી, એટલે એ નાનપણથી જ સાહસિક છે.
Reporter: admin







