વડોદરા શહેરના સમા વિસ્તારમાં રહેતી અને MSUની સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લીધી હોવાનું સમા પોલીસ મથકે નોંધાતા આ મામલો પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
સમા વિસ્તારની પંચશીલ સોસાયટીમાં ૨૪ વર્ષીય મોનિકા શ્યામવીર સિંધ રહેતા હતા. તેઓ MSUની સાયન્સ ફેકલ્ટીના કેમેસ્ટ્રી વિભાગમાં અભ્યાસ કરતા હતા. થોડા દિવસ અગાઉ મોનિકાબેનના પિતા કામ અર્થે મથુરા ગયા હતા, જ્યારે તેમની માતા અમદાવાદ ખાતે ફરજ બજાવે છે. શનિવારે મોનિકા અને તેમનો ભાઈ ઘરે હતા ત્યારે તેમનો ભાઈ કોઈ કામ અર્થે બહાર ગયો હતો. ત્યાંથી વારંવાર મોનિકા બેનને ફોન કરતા તેઓએ ફોન ઉપાડયો ન હતો. જેથી તેઓ તુરંત ઘરે દોડી આવ્યા હતા. જ્યાં બેડરૂમમાં જઈને જોતા મોનિકા ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ પરિવાર અને સમા પોલીસ મથકે કરતા તેઓ ગણતરીના સમયમાં દોડી આવ્યા હતા.
પોલીસે ઉંડાણપૂર્વક ઘટનાની તપાસ હાથ ધરતા બેડરૂમમાંથી મોનિકાબેને લખેલી અંતિમચિઠ્ઠી મળી આવી હતી. જેમાં 'હું આ પગલું ભરવા બદલ માફી માગું છું. તમે બધાએ મને બવ પ્રેમ આપ્યો છે. હું મારા જીવનમાં ખરી ન ઉતરી શકી. હું જીવવા માગતી નથી' સહિતનું લખાણ મળી આવ્યું હતું. ઉપરાંત ચિઠ્ઠી ઉપરથી યુવતી ડિપ્રેશનમાં હોવાનું પોલીસ અનુમાન લગાવી રહી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. તથા યુવતીનો મોબાઈલ કબજે કરીને તેને FSLમાં મોકલવામાં આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે, ૨ અઠવાડિયા બાદ બહેન અને ભાઈનો પવિત્ર તહેવાર રક્ષાબંધન આવનાર છે. તે પૂર્વે જ એક ભાઈએ બહેનને ગુમાવી દેતા પરિવાર શોકાતૂર બન્યું હતું.
Reporter: admin