છોટાઉદેપુર :'જિલ્લાના નસવાડી તાલુકામાં આવેલી કેસરપુરા પ્રાથમિક શાળામાં એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં એક શિક્ષકે ધોરણ 4ના વિદ્યાર્થીને અગમ્ય કારણોસર ઢોર માર માર્યો હતો.
વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ થતાં તેને રાત્રે 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. મારને કારણે વિદ્યાર્થી એટલો અબકી ગયો હતો કે તેના માતા-પિતા ગહન ચિંતામાં મૂકાયા છે.મળતી માહિતી અનુસાર, શિક્ષક દ્વારા માર મારવાની આ ઘટના બાદ વિદ્યાર્થીની તબિયત લથડી હતી. વિદ્યાર્થીને એટલી હદે માર મારવામાં આવ્યો હતો કે તેનું ડોકું એકદમ સીધું ન થતું હોવાથી પરિવારજનો ચિંતિત બન્યા હતા. જેથી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મારફતે વિદ્યાર્થીને નસવાડી સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ખસેડવામાં આવ્યો હતો.
ડૉક્ટરે વિદ્યાર્થીની તપાસ કરીને જરૂરી સારવાર આપી હતી.શિક્ષક દ્વારા માસૂમ વિદ્યાર્થીને ઢોર માર મારવાની આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે. વિદ્યાર્થીના પિતાએ આ ગંભીર કૃત્ય બદલ જવાબદાર શિક્ષક સામે કડકમાં કડક પગલાં ભરવાની અને કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે, જેથી ભવિષ્યમાં કોઈ શિક્ષક વિદ્યાર્થીઓ સાથે આવું વર્તન ન કરે.
Reporter: admin







