અમદાવાદ: વટવા વિસ્તારમાં ફરી એકવાર અસામાજિક તત્વોએ માજા મૂકી છે.
વટવાના ચાર માળિયા વિસ્તારમાં ગઈકાલે રાત્રે ખુલ્લી તલવારો સાથે લુખ્ખા તત્વોએ આતંક મચાવતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જાહેર રોડ પર ગાડી પાર્ક કરી, હાથમાં હથિયારો લહેરાવી રહેલા આ શખ્સોએ સામાન્ય નાગરિકોને ધમકાવ્યા હતા. જોકે, વટવા પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી મુખ્ય આરોપી સહિત 4 શખ્સોને જેલના સળિયા ગણતા કરી દીધા છે.
5 વર્ષ જૂનું વેર અને મધરાતે બદલો લેવાનો પ્લાન
પોલીસ તપાસમાં જે વિગતો સામે આવી છે તે કોઈ ગેંગસ્ટર ફિલ્મની પટકથા જેવી છે. મુખ્ય આરોપી આદિલ શેખના ભાઈની ૫ વર્ષ પહેલા હત્યા કરવામાં આવી હતી, જેમાં ફરિયાદી આસિફનો ભાઈ આરોપી હતો. આ જૂની દુશ્મનીને કારણે બંને જૂથો વચ્ચે લાંબા સમયથી ઘર્ષણ ચાલતું હતું. તાજેતરમાં આસિફે આદિલના એક માણસને ધમકી આપી હતી, જેનો બદલો લેવા માટે આદિલ શેખ તેની ગેંગ સાથે તલવારો લઈને આસિફના ઘરે ધસી ગયો હતો.ઘટનાની જાણ થતા જ વટવા પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધરીને મુખ્ય આરોપી આદિલ શેખ, ફારૂક ગરદન, મોઇન ઉર્ફે લંગડો અને હુસૈન ઉર્ફે ભૈયાની ધરપકડ કરી લીધી છે. પોલીસે તેમની પાસેથી તલવારો સહિતના હથિયારો પણ કબજે કર્યા છે. આ શખ્સોના પકડાઈ જવાથી વટવાના ચાર માળિયા વિસ્તારના રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે.
Reporter: admin







