News Portal...

Breaking News :

દુનિયામાંથી વસંતની વિદાય

2024-12-20 09:42:31
દુનિયામાંથી વસંતની વિદાય


જામનગર : હાસ્યરસવાળી 110 કેસેટ અને સીડી વસંત પરેશ બંધુના અવાજમાં ગુજરાતીઓના હૃદય સુધી પહોંચી હતી.હાસ્યનો પ્રકાર છે બ્લેક હ્યુમર.  


હવે વસંત પરેશનું હાસ્ય સાંભળવા મળશે નહીં, તેઓ એ દુનિયા માંથી ૭૦ વરસે વિદાય લીધી છે. સ્મશાન યાત્રા અને નનામી ઉપર પણ જોક કરી અને ખડખડા ઢસાવી શકે અને બીજી જ ક્ષણે આંખના ખૂણા ભીના પણ કરાવી શકે તેવી ક્ષમતા વસંતભાઈમાં હતી. નવોદિત હાસ્ય કલાકારો નું ઘોડિયાઘર કહી શકાય ઘણા કલાકારોને હાથ પકડી અને સ્ટેજ પર બેસાડ્યા છે. સાયરામ દવે ગુણવંત ચુડાસમા મિલન ત્રિવેદી કિરીટ વ્યાસ ગિરીશ શર્મા જગદીશ ત્રિવેદી નીરવ મહેતા જેવા નામી અનામી ઘણા કલાકારોને માર્ગદર્શન આપી અને વાહ વાહી કેમ લૂંટાય તે શીખવ્યું છે. દિલદાર કલાકાર સૂક્ષ્મ હાસ્ય ના બેતાજ બાદશાહ હતા. દેશ-વિદેશમાં જ્યાં જ્યાં ગુજરાતી વસે છે ત્યાં તેના હૃદય સુધી પહોંચી અને ખડખડાટ હસાવ્યા છે.


જામનગરની અનન્ય ઓળખ બની ગયેલા આ કલાકાર તેમની હાસ્ય કલા પ્રદર્શન થકી સદાય જીવંત રહેશે. પરંતુ આવી ઓળખને ગુમાવવી એ આપણા શહેર માટે ઊંડો આઘાત છે.જામનગરનો એ તેજસ્વી સિતારો હાસ્યગગનના ગોખે ત્રણ દાયકા સુધી સૂર્યની માફક ઝળહળતો રહ્યો. ડાયરા-મહેફિલની વ્યાપક રોનકમાં તેનું નામ માત્ર પૂરતું હતું. હિન્દી ભાષાની સ્વરચિત શાયરીઓને પોતાના કથનાત્મક કાર્યક્રમમાં એવી રીતે વણી લે કે, શ્રોતાઓ આફરીન પોકારી ઊઠે. કેટલાક સમકાલીન ઉદઘોષકો પણ બંધુ રચિત પ્રેમ તથા મૃત્યુ વિષયક ચોટદાર શાયરીઓને પોતાના ઉપયોગમાં લેતા.તમારી દ્રષ્ટિ હાસ્યની હોય તો આપણી આસપાસમાંથી જ હાસ્ય મળી રહે તેવું ઉચ્ચારનાર બંધુ પોતાની પત્નીના સંબંધો તેમજ મિત્રોનો નામોલ્લેખ કરી એવી શૈલીથી જોક્સ કરતા કે, લોકો તેની વાતને સાચેસાચી માની લેતા.પાલી વાળો જોક્સ તો આપણે ગમે તેટલી વખત તેમના મુખેથી સાંભળીએ તો પણ હસ્યા વિના ના રહી શકીએ.

Reporter: admin

Related Post