સમા સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે આયોજિત
રાજ્યના ગૃહ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં સમા સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે ટેબલ ટેનિસ ટુર્નામેન્ટના વિજેતા ખેલાડીઓનો ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો.મંત્રીએ મહિલા સિંગલ, પુરુષ સિંગલ અને અંડર-૧૯ શ્રેણીના વિજેતાઓને મેડલ અને ટ્રોફી એનાયત કરી હતી અને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે ટીટીએફઆઈના સેક્રેટરી જનરલ કમલેશ મહેતા, ઓર્ગેનાઇઝિંગ ચેરપર્સન જયાબેન ઠક્કર અને ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી કલ્પેશ ઠક્કર પણ ઉપસ્થિત રહ્યા હતા.RBIના માનુષ શાહ અને રેલવેઝની અનુષા કુટુંબળેએ અનુક્રમે પુરુષ અને મહિલા સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીતીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ વિજય સાથે, માનુષે તેની બીજી પુરુષ સિંગલ્સ ટ્રોફી જીતી, જ્યારે અનુષાએ તેની કારકિર્દીનો પ્રથમ મહિલા સિંગલ્સ ખિતાબ જીતીને એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી.
માનુષ શાહ: પુરુષ સિંગલ્સના ચેમ્પિયન
ટોચના ક્રમાંકિત અને રાષ્ટ્રીય ચેમ્પિયન માનુષ શાહે ફાઇનલમાં રેલવેઝના રોનિત ભંજનાને સીધી ગેમ્સમાં પરાજય આપ્યો હતો. સેમિફાઇનલમાં પાયસ જૈનને હરાવીને ફાઇનલમાં પહોંચેલા માનુષે તેના તીક્ષ્ણ પ્લેસમેન્ટ અને શાનદાર રિધમથી રોનિતને કોઈ તક આપી ન હતી.
અનુષા કુટુંબળે: મહિલા સિંગલ્સની વિજેતા
૧૨મા ક્રમાંકિત અનુષા કુટુંબળેએ મહિલા સિંગલ્સની ફાઇનલમાં સ્વસ્તિકા ઘોષ સામે પ્રભુત્વ જમાવી ગોલ્ડ મેડલ જીત્યો હતો. અનુષાએ સેમિફાઇનલમાં વર્તમાન રાષ્ટ્રીય ચેમ્પિયન દિયા ચિતાલેને હરાવીને બધાને ચોંકાવી દીધા હતા. ફાઇનલમાં પહેલી ગેમ ગુમાવ્યા બાદ અનુષાએ શાનદાર વાપસી કરી અને સતત દબાણ સાથે વિજય મેળવ્યો. આ જીત તેની કારકિર્દીનો મહત્વનો વળાંક સાબિત થઈ છે.
આ ટુર્નામેન્ટમાં યુવા ખેલાડીઓએ પણ શાનદાર પ્રદર્શન કર્યું. યુથ બોયઝ સિંગલ્સના ફાઇનલમાં આસામના પ્રિયાનુજ ભટ્ટાચાર્યએ મહારાષ્ટ્રના કુશળ ચોપડાને ૪-૦ થી હરાવી ચેમ્પિયન બન્યો. જ્યારે, યુ-૧૯ ગર્લ્સની ફાઇનલમાં પશ્ચિમ બંગાળની સિન્ડ્રેલા દાસે મહારાષ્ટ્રની દિવ્યાંશી ભૌમિકને ૪-૨ થી હરાવી પોતાનો બીજો રાષ્ટ્રીય ખિતાબ જીત્યો હતો.
Reporter: admin







