મુંબઈ: 1993ના મુંબઈ બ્લાસ્ટ કેસમાં આજીવન કારાવાસની સજા ભોગવી રહેલા કુખ્યાત ગેંગસ્ટર અબુ સાલેમની અરજીને શનિવારે વિશેષ ટાડા અદાલતે સ્વીકારી હતી અને તેણે ધરપકડ થયા પછી ચુકાદા સુધીની જેલમાં વિતાવેલા 12 વર્ષના સમયગાળાને સજામાંથી માફ કર્યો હતો.
સાલેમને 2005માં પોર્ટુગીઝ સરકારે ભારતને સોંપ્યો હતો. ત્યારબાદ મુંબઈ શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટના કેસમાં સાલેમ પર ખટલો ચલાવવામાં આવ્યો હતો અને 2017 માં વિશેષ ટાડા કોર્ટે તેને દોષી ઠેરવીને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. હાલમાં તે નવી મુંબઈની તલોજા જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે.સાલેમે ધરપકડની તારીખથી સજા સંભળાવવા સુધી એટલે કે 11 નવેમ્બર, 2005 થી 7 સપ્ટેમ્બર, 2017 સુધી જેલમાં વિતાવેલા 12 વર્ષ સજામાં ઘટાડવાની માંગણી કરી હતી.
તેમની અરજી પર સ્પેશિયલ ટાડા કોર્ટના જજ બી. ડી. શેલકેએ તેની માગણી સ્વીકારી હતી.બોમ્બ બ્લાસ્ટ કેસ સિવાય સાલેમને 2015માં કંસ્ટ્રકશન બિઝનેસમેન પ્રદીપ જૈનની હત્યાના કેસમાં પણ આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ કેસમાં તેની ધરપકડના સમયથી જેલ પ્રશાસન દ્વારા તેને દોષી ઠેરવવામાં આવ્યો ત્યાં સુધી જેલમાં વિતાવેલ 10 વર્ષનો સમયગાળો માફ કરવામાં આવ્યો હતો. જો કે, શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકાના કેસમાં ધરપકડથી લઈને દોષી સિદ્ધ થવા સુધીનો સમય તેણે જેલમાં વિતાવ્યો હતો તે માફ કરવામાં આવ્યો ન હતો.
Reporter: News Plus