મુંબઈ : ભારત સામેની બીજી ટેસ્ટમાં 549 રનના પહાડ જેવા લક્ષ્ય સામે ભારતીય ટીમ જ્યારે સિરીઝમાં સૂપડા સાફ થવાના જોખમ સામે ઝઝૂમી રહી છે, ત્યારે દક્ષિણ આફ્રિકાના મુખ્ય કોચ શુક્રી કોનરાડના એક અભિમાની અને વિવાદાસ્પદ નિવેદને ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે.
કોનરાડે બડાઈ મારતા કહ્યું કે તેઓ ભારતીય ટીમને "ઘૂંટણિયે પાડી દેવા" માંગતા હતા, જે એક એવો શબ્દ છે જેનો ઇતિહાસ રંગભેદ અને ગુલામીની પીડાદાયક યાદો સાથે જોડાયેલો છે.ચોથા દિવસની રમતના અંતે પ્રેસ કોન્ફરન્સમાં, કોનરાડે પોતાના વિલંબિત ઇનિંગ્સ ડિક્લેરેશનને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કરતાં કહ્યું, "અમે ઇચ્છતા હતા કે ભારતીય ટીમ મેદાન પર વધુમાં વધુ સમય વિતાવે. અમે તેમને ઘૂંટણિયે પાડી દેવા માંગતા હતા (આ વાક્ય હું ચોરી રહ્યો છું) અને અમે મેચને તેમની પહોંચની બિલકુલ બહાર લઈ જવા માંગતા હતા." કોનરાડે આ માટે 'ગ્રોવેલ' (Grovel) શબ્દનો ઉપયોગ કરીને વિવાદને જન્મ આપ્યો છે.
ગ્રોવેલ' શબ્દનો અર્થ જમીન પર સુવડાવી દેવા કે પછી ઘસડાવું થાય છે. આ એ જ અપમાનજનક શબ્દ છે જેનો ઉપયોગ દક્ષિણ આફ્રિકી મૂળના શ્વેત ક્રિકેટર અને ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન ટોની ગ્રેગે 1976માં વેસ્ટ ઇન્ડિઝની ટીમ માટે કર્યો હતો, જેનો સંદર્ભ ગુલામીના ઇતિહાસ સાથે જોડાયેલો હતો. હવે સવાલ એ ઉઠે છે કે શું ક્રિકેટ દક્ષિણ આફ્રિકાએ પોતાના અશ્વેત કોચ દ્વારા વિરોધી ટીમ માટે આવા વાંધાજનક શબ્દનો ઉપયોગ કરવા બદલ કોઈ પગલાં લીધા છે કે નહીં.
Reporter: admin







