વડોદરા શહેરમાં અવાર નવાર NDPS હેઠળના ગુનાઓ નોંધાતા હોય છે. ત્યારે કેટલાક આરોપીઓને ઝડપી લેવામાં આવતા હોય છે તો કેટલાક ફરાર થઈ જતા હોય છે. દરમિયાન કપુરાઇ પોલીસ મથકમાં નોંધાયેલા NDPSના ગુનામાં વોન્ટેડ આરોપી નીલોફરની SOG પોલીસે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા એસ.ઓ.જીની ટીમે ગત તા. 08/02/2025ના રોજ ડભોઈ રોડ પરથી મળેલી બાતમીના આધારે રેડ કરી હતી. આ રેડમાં આરોપી અશોકકુમાર મહીપાલ મેઘવાલ (રહે. બ્લોક નં-23, રૂમ નં-32, મહાનગર વૂડા, ડભોઈ રોડ, વડોદરા) પાસેથી 66 ગ્રામ 280 મિલિગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ (કિંમત રૂ. 6,62,800/-) સાથે અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 6,73,130/-નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ ગુનામાં અશોકકુમાર ઉપરાંત વોન્ટેડ આરોપીઓ કાલુ અને ડ્રગ્સ મંગાવનાર નીલોફર સલમાની વિરુદ્ધ કપુરાઇ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો. વડોદરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. રાતડા સહિતની ટીમે આ ગુનાને લઈ વધુ તપાસ હાથ ધરી હતી.
આ દરમિયાન ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી વોન્ટેડ આરોપી નીલોફરની શોધખોળ ચાલુ હતી. દરમિયાન ટીમને બાતમી મળી હતી કે, નીલોફર હાલ સનફાર્મા રોડ પાસે આવેલા રોયલ વૂડા બ્લોક નં-6, મકાન નં-67માં તેની માતા જૈતુન રહેમાન શેખના ઘરે આવી છે. આ બાતમીના આધારે એસ.ઓ.જી. ટીમે તપાસ કરતાં નીલોફર હાજર મળી આવી હતી. દરમિયાન પોલીસે તેની વધુ પૂછપરછ બાદ ધરપકડ કરી હતી. ગુનાની આરોપી સામે અગાઉ જે.પી.રોડ પોલીસ મથકમાં ત્રણ, બાપોદ પોલીસ મથકમાં એક અને એક SOG પોલીસ મથકમાં ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું છે. કપુરાઇ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં 66 ગ્રામ 280 મિલિગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર તરીકે નીલોફર વોન્ટેડ હતી. જેથી તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Reporter:







