અન્ય હોદ્દેદારો, નેતાઓ, ધારાસભ્ય, સાંસદ, કોર્પોરેટર તમામે આઉટસોર્સિંગને સ્વીકારી લીધું.
વડોદરા શહેરમાં 31 સ્મશાનોને ખાનગી સંસ્થાઓને સોંપાયા બાદ મામલો ગરમાયો છે. લોકોને ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે શહેરના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે મ્યુનિ.કમિશનરને પત્ર લખીને સ્મશાનોની કામગીરી આઉટસોર્સિંગથી વિવિધ સંસ્થાઓ પાસેથી કરાવવાની કામગીરીમાં ફરીથી વિચારણા કરવા અને તે દરમિયાન આ ઠરાવનો અમલ સ્થગિત કરવા જણાવ્યું છે. સ્મશાનોમાં આઉટસોર્સિંગનો અમલ પણ શરુ થઇ ગયો છે,ત્યારે કાકા અત્યાર સુધી મૌન કેમ હતા ? તે સવાલ શહેરીજનો કરી રહ્યા છે. કાકાએ હવે બુમો પાડવાની શરુઆત કરી છે. યોગેશ પટેલે કમિશનરને પત્ર લખ્યો છે જેમાં જણાવ્યું છે કે શહેરના 31 સ્મશાનોની કામગીરી આઉટસોર્સિંગથી સંસ્થાઓ પાસે કરાવવા બાબતની દરખાસ્તને કમિશનરે સ્થાયી સમિતીમાં મંજૂરી અર્થે રજૂ કરી હતી. જે બે વર્ષ માટે કામગીરી કરાવવાની અને સારી કામગીરી થાય તો વધુ એક વર્ષ આજ સંસ્થાઓ પાસે કામગીરી કરાવવાની ભલામણ કરવામાં આવી હતી. જેનો અમલ ઠરાવ થવાના ત્રણ મહિના પછી કરાયો છે.
આ ઠરાવના અમલથી લોકોમાં બહુ ગેરસમજ ઉભી થઇ છે. ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓ આજે સ્મશાનોનું કામ સારી રીતે કરી રહી હતી. ત્યારે આઉટસોર્સિંગથી કામગીરી કેમ કરાવવી તે અંગે નાગરિકોના ઘણા પ્રશ્નો પણ ઉપસ્થિત થયા છે. સામાન્ય રીતે મૃત્યુ પછીની થતી ક્રિયા બાબતે નાગરિકોની અંગત લાગણી પણ જોડાયેલી છે ત્યારે તેમાં કોઇ ફેરફાર થાય તો નાગરીકોની લાગણીને ઠેસ પહોંચી રહી છે. અને સ્વાભાવિક રીતે ભાજપનું શાસન મહાનગરપાલિકામાં હોય અને તેના દ્વારા નિર્ણય લેવાયેલો હોય ત્યારે પક્ષની છબી ને નુકશાન થઇ રહ્યું છે તે જોતાં આ સંદર્ભે કમિશનર સાથે ટેલિફોનીક ચર્ચા કરી છે. અને માંગણી કરી છે કે આઉટસોર્સિંગનો જે ઠરાવ થયો છે તે બાબતની પુનઃ વિચારણા કરવી જોઇએ અને ત્યાં સુધી ઠરાવનો અમલ સ્થગિત કરવો જોઇએ.શહેર પ્રમુખ ડો જયપ્રકાશ સોનીના સમયમાં મંજુર કરવામાં આવી હતી. શાસક પક્ષમાંથી માત્ર યોગેશ પટેલને જ વાંધો છે. અન્ય હોદ્દેદારો, નેતાઓ, ધારાસભ્ય, સાંસદ, કોર્પોરેટર તમામે આઉટસોર્સિંગને સ્વીકારી લીધું છે.જો કે પ્રજાનો વિરોધ છે.
Reporter: admin







