વોકેશનલ શિક્ષણ અંતર્ગત વિદ્યાર્થીઓને વ્યવસાયલક્ષી વિષયોનું સૈદ્ધાંતિક તથા પ્રયોગાત્મક માર્ગદર્શન માટે કરાયું આયોજન

વડોદરા જિલ્લાની સમગ્ર શિક્ષા અંતર્ગત આઠ તાલુકાની કુલ ૬૫ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વોકેશનલ શિક્ષણ અંતર્ગત વિદ્યાર્થીઓને વ્યવસાયલક્ષી વિષયોનું સૈદ્ધાંતિક તથા પ્રયોગાત્મક માર્ગદર્શન પ્રાપ્ત થાય તે હેતુથી સમગ્ર શિક્ષા, વડોદરા દ્વારા “કૌશલ્ય ઉત્સવ”નું આયોજન કરવામાં આવ્યું હતું.આ આયોજનના પ્રથમ તબક્કામાં શાળા કક્ષાએ કૃતિઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં દરેક શાળાએ એક કૃતિ રજૂ કરી હતી. એક કૃતિ માટે ચાર વિદ્યાર્થીઓ અને એક વોકેશનલ શિક્ષકની ટીમે સંબંધિત પ્રોજેક્ટનું અનુદર્શન આપ્યું હતું. ત્યારબાદ જિલ્લાના સમા પ્રાથમિક શાળા ખાતે જિલ્લાકક્ષાની કૌશલ્ય સ્પર્ધા યોજવામાં આવી હતી. કાર્યક્રમનું મુખ્ય ઉદ્ઘાટન જિલ્લા શિક્ષણ અધિકારી તથા પ્રોજેક્ટ સંકલનકર્તા શ્રી મહેશભાઈ પાંડેના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શુભ શરૂઆત શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા રજૂ કરાયેલા સ્વાગત ગીતથી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને વોકેશનલ શિક્ષકોને પ્રોત્સાહિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સ્પર્ધામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ માટે બેઠક તથા ભોજનની યોગ્ય વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.

જિલ્લા સંકલનકર્તા પ્રજ્ઞેશભાઈ પટેલે રજૂ થયેલી તમામ કૃતિઓ ઉત્તમ હોવાનું જણાવ્યું હતું. કુલ પૈસઠ કૃતિઓનું મૂલ્યાંકન નિર્ણાયક મંડળે આખો દિવસ સ્થળ પર જઈને કર્યું હતું. રજૂ થયેલી કૃતિઓનું ગુણાત્મક નિરીક્ષણ કરી સરકારની માર્ગદર્શિકા મુજબ વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું હતું અને પ્રથમ, દ્વિતીય તથા તૃતીય સ્થાન નક્કી કરવામાં આવ્યા હતા.પ્રથમ સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓએ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા લાયકાત પ્રાપ્ત કરી હતી, જે વડોદરા જિલ્લામાં ગૌરવ લાવનાર વિષય રહેલો. તમામ ભાગ લેનારા વિદ્યાર્થીઓને તથા વોકેશનલ શિક્ષકોને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. સમગ્ર શિક્ષા હેઠળની આ પહેલનો મુખ્ય હેતુ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ને સાકાર કરવાનો તથા રાજ્યના યુવાનોને તેમની પ્રતિભા અને કૌશલ્ય પ્રદર્શિત કરવા સુલભ મંચ ઉપલબ્ધ કરાવવાનો રહેલો. આ સંદર્ભે સમગ્ર શિક્ષા સંકલનકર્તા શ્રી મુકેશભાઈ શર્માએ જણાવેલું કે આ પ્રોજેક્ટનું મહત્વ વિશેષ રહેલું છે અને આવનારા દિવસોમાં ધોરણ નવથી બારની વધુ હાઈસ્કૂલોને વોકેશનલ પ્રવાહ સાથે જોડવામાં આવનાર છે, જેથી વિદ્યાર્થીઓ હસ્તગત કરેલ કૌશલ્યો વિવિધ નવા વ્યવસાયક્ષેત્રોમાં પ્રદર્શિત કરી શકશે.કાર્યક્રમની આભાર વિધિ બાજવાના CRC સંકલનકર્તા પ્રકાશભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવી હતી. આમ વડોદરા જિલ્લા કૌશલ્ય સ્પર્ધાનું આયોજન ઉત્સાહપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવ્યું હતું.

Reporter: admin







