નવી દિલ્હીઃ ‘જમ્મુની ધડકન’ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર તરીકે જાણીતી સિમરન સિંહે ગુરુગ્રામમાં અચાનક અંતિમ પગલું ભરતા તેના હજારો ચાહકોને આંચકો લાગ્યો છે.
આરજે બનીને લોકપ્રિય બનેલી સિમરન સિંહે પોતાના ભાડાંના ઘરમાં ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હોવાનું કહેવાય છે. સિમરનનો મૃતદેહ ગુરુગ્રામના સેક્ટર-૪૭માં તેના જ ફ્લેટમાંથી મળ્યા બાદ પોલીસ પ્રશાસને તપાસ હાથ ધરી છે. આ ઘટના બુધવારે બની હોવાનું કહેવાય છે. પ્રાથમિક તબક્કે અકસ્માતનો કેસ નોંધીને પોલીસે સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે.સિમરન સિંહ મૂળ જમ્મુના નાનકનગરની રહેવાસી હતી. તે રેડિયો મિર્ચીમાં પણ આરજે તરીકે કામગીરી કરતી હતી. વર્ષ ૨૦૨૧ સુધીમાં ત્યાં કામ કર્યા બાદ તેણે નોકરી છોડી દીધી હતી. હાલમાં તે ફ્રી-લાન્સિંગનું કામ કરતી હતી. ઉપરાંત, એન્ટરટેઈનમેન્ટના વીડિયો પણ બનાવતી હતી.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેના લાખો ફોલોઅર્સ હતા. એકલા ઈન્સ્ટાગ્રામ પર જ તેના ૬ લાખથી વધુ ફોલોઅર્સ હતા.સિમરન સિંહ સોશિયલ મીડિયા પર પણ જોરદાર એક્ટિવ રહેતી હતી. 13મી ડિસેમ્બરે તેને છેલ્લે તસવીરો અને રીલ પોસ્ટ કરી હતી. પિંક ગાઉનમાં ખિલખિલાટ હસતી જોવા મળી હતી. બેકગ્રાઉન્ડમાં દરિયાકિનારો જોવા મળ્યો હતો. ગુરુગ્રામ પોલીસે આરજે સિમરનનો મૃતદેહ પરિવારને સોંપી દીધો છે. તેની સાથે એક મિત્ર રહેતો હતો, તેણે આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. ગુરુગ્રામ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ૨૫ વર્ષીય ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લ્યુએન્સર અને આરજેનો મૃતદેહ બુધવારે ગુરુગ્રામના સેક્ટર ૪૭માં તેના ભાડાના ફ્લેટમાંથી મળ્યો હતો. આ ઘટના બાદ તેને પહેલા પાર્ક હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. જિલ્લા હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવાર ને સોપાયો હતો.
Reporter: admin