સુરત : 21 નવેમ્બરના સાંજ 7:15 વાગ્યા આસપાસ સુરતના સરથાણામાં એક શોપિંગ કોમ્પ્લેક્સના 9મા માળે આવેલા ચાય પાર્ટનર કાફેમાંથી ફિઝિયોથેરાપી ડોક્ટરે નીચે કૂદી આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો હતો.
આ ડોક્ટરના આપઘાતને લઈ સ્થાનિક પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બે મહિના બાદ મહિલા ડોક્ટરના લગ્ન થવાના હતા. ત્યારે આ ચાય પાર્ટનર કાફેમાં મંગેતર સાથે અવારનવાર જતી હતી અને ત્યાંથી જ કૂદીને જીવન ટૂંકાવ્યું છે. હાલ તો આપઘાત પાછળનું કોઇ કારણ જાણવા મળ્યું નથી.મળતી માહિતી અનુસાર, મૂળ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટી ભેગડી ગામની વતની અને હાલ સુરતના સરથાણાના શ્યામધામ મંદિર પાસે આવેલી વિશ્વા રેસિડેન્સિમાં 28 વર્ષીય રાધિકા જમનભાઈ કોટડીયા પરિવાર સાથે રહેતી હતી. મૃતકના પરિવારમાં માતા-પિતા અને એક ભાઈ છે. મૃતકના પિતા હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે નોકરી કરે છે.
જ્યારે રાધિકા સરથાણા જકાતનાકા વિકાસ શોપર્સમાં પહેલા માળે પોતાનું શ્રીજી ફિઝિયો ક્લિનિક ચલાવતી હતી.રાધિકાની છ મહિના પહેલાં જ એક યુવક સાથે સગાઈ થઈ હતી અને આગામી 19 ફેબ્રુઆરી 2026ના રોજ તેના લગ્ન થવાના હતા. દરરોજ સવાર-સાંજ રાધિકા પોતાના મંગેતરની સાથે વાતો પણ કરતી હતી. રાધિકા 21 નવેમ્બરની સવારે ડેઇલી રૂટિન પ્રમાણે ક્લિનિક પર ગઈ હતી. ત્યાર બાદ બપોરે જમવા માટે ઘરે આવી પરત ક્લિનિક જતી રહી હતી. જોકે, સાંજના સમયે ઓફિસ સ્ટાફને રાધિકાએ કહ્યું હતું કે, હું યોગી ચોક જાવ છું કહી નીકળી ગઈ હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં ડોક્ટર રાધિકાએ મંગેતર સાથેના અણ બનાવોના કારણે આપઘાતનું પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. દીકરીના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. બે મહિના બાદ દીકરી રાધિકાના લગ્ન થવાના હતા
Reporter: admin







