હું ગાંધીવાદી નથી, મને કોઈ પસ્તાવો નથી: ગાયકવાડ
મુંબઈ : મહારાષ્ટ્રના બુલઢાણામાંથી શિવસેના (શિંદે જૂથ)ના ધારાસભ્ય સંજય ગાયકવાડનો એક વીડિયો વાઈરલ થતાં વિવાદ સર્જાયો છે. જેમાં તે વિધાન ભવન કેન્ટિનમાં એક કર્મચારીને લાતો- મુક્કા મારતાં જોવા મળ્યા છે.

આ વીડિયો વાઈરલ થયા બાદ તેમના અભદ્ર અને હિંસક આચરણ પર સવાલો ઉઠ્યા છે. ગાયકવાડે આરોપ મૂક્યો હતો કે, તેમને કેન્ટિનમાં જે દાળ પીરસવામાં આવી હતી, તે બગડેલી હતી.ગાયકવાડનો આ વીડિયો વાઈરલ થતાં હોબાળો મચ્યો છે. મીડિયા સમક્ષ તેમણે સ્પષ્ટતા આપી હતી કે, મેં કેન્ટિનમાં દાળ-ભાત અને બે રોટલી મગાવી હતી. તેને જમ્યા બાદ મને ઉબકા આવવા લાગ્યા. મેં કેન્ટીનના સ્ટાફને કહ્યું કે, તમારૂ ભોજન વાસી થઈ ગયુ છે. મેં મેનેજરને બોલાવ્યો પણ તે સ્વીકારવા તૈયાર જ ન હતો કે, ભોજન જમવા લાયક નથી.ગાયકવાડને મીડિયાએ પૂછ્યું હતું કે, શું એક જનપ્રતિનિધિને જાહેરમાં મારપીટ કરવાનું શોભે છે? જેના જવાબમાં ગાયકવાડે જણાવ્યું હતું કે, મને જરાંય પણ પસ્તાવો નથી.
હું ધારાસભ્ય છું અને એક યૌદ્ધા પણ. જ્યારે કોઈને વારંવાર સમજાવ્યા બાદ પણ તેને સમજણ પડતી ન હોય, ત્યારે આ ભાષાનો ઉપયોગ કરુ છું. જેને બાળાસાહેબ ઠાકરેએ શીખવી હતી. હું જૂડો, કરાટે, જિમ્નાસ્ટિક, અને તલવારબાજીમાં માહેર છું. મારો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. ગાયકવાડે સ્પષ્ટપણે કહ્યું કે, હું ગાંધીવાદી નથી, મને કોઈ પસ્તાવો નથી. મેં કશું ખોટું કર્યુ નથી. આ મુદ્દાને હું વિધાનસભામાં પણ ઉઠાવીશ. ઉલ્લેખનીય છે, વીડિયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે, ધારાસભ્ય ગાયકવાડ એક કેન્ટીન કર્મચારીની ધોલાઈ કરી રહ્યા છે. તેને વારંવાર ધક્કો અને મુક્કા મારી રહ્યા છે. અગાઉ બે-ત્રણ દિવસ પહેલાં MNSના નેતાના દિકરાનો એક વીડિયો વાઈરલ થયો હતો.
Reporter: admin







