સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શરદ પૂનમ (સાતમી ઓક્ટોબર) નિમિત્તે દાદાનો દિવ્ય અને ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો, જેના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.
શરદ પૂનમના પવિત્ર અવસરે શ્રી કષ્ટભંજનદેવને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. દાદાને રીયલ ડાયમંડ (હીરા) જડેલો મુકુટ અને ઝીણવટભર્યું એમ્બ્રોઇડરી વર્ક કરેલા દિવ્ય વાઘા પહેરાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત દાદાના સિંહાસનને 200 કિલો હજારીગલ (ગલગોટા)ના ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. શણગાર અંગે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, 3 સંતો, પાર્ષદ અને ભક્તો દ્વારા આ સંપૂર્ણ શણગાર તૈયાર કરવામાં ચાર કલાક જેટલો સમય લાગ્યો હતો.
શરદ પૂનમ નિમિત્તે મંદિરમાં દિવસભર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી, ત્યારબાદ શણગાર આરતી થઈ હતી. આ ઉપરાંત મંદિર પટાંગણમાં આવેલી યજ્ઞશાળામાં ભક્તોના કલ્યાણ અર્થે મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
Reporter: admin







