સોનમર્ગ : જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લા સ્થિત સોનમર્ગ વિસ્તારમાં આતંકવાદીઓએ આડેધડ ગોળીબાર કરતા સાત લોકોના મોત થયા છે.
મૃતકોમાં પાંચ લોકો બહારના છે, જેમાં બે અધિકારી વર્ગના અને ત્રણ શ્રમિકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત હુમલામાં એક ડૉક્ટરનું પણ મોત થયું છે અને પાંચ લોકોને ઈજા થઈ છે. અહીં એક ટનલનું બાંધકામ ચાલી રહ્યું છે, ત્યારે અચાનક આતંકવાદીઓ હથિયારો લઈને પહોંચી ગયા હતા અને ફાયરિંગ શરૂ કરી દીધું હતું. હાલ ઘટનાસ્થળે સુરક્ષા દળો સહિત પોલીસનો કાફલો પહોંચી ગયો છે અને આતંકવાદીઓને પકડવા માટે આખા વિસ્તારને ઘેરી લેવાયો છે.
જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી અને રાજ્યપાલ સહિતનાઓએ આ હુમલાની નિંદા કરી છે.તપાસમાં એવી વિગતો સામે આવી છે કે, જે અધિકારીઓ અને શ્રમિકો મધ્ય કાશ્મીર અને ગાંદરબલ જિલ્લાને જોડતી જેડ મોડ ટનલ બાંધકામનું કામ કરી રહ્યા હતા, આતંકવાદીઓએ તેમને નિશાન બનાવ્યા છે. હાલ સુરક્ષા દળોની ટીમ આતંકવાદીઓને પકડી પાડવા આખા વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરી રહી છે. જમ્મુ-કાશ્મી પોલીસે ઘટના અંગે કહ્યું કે, હાલ આખા વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી છે.
Reporter: admin