રશિયા સામેના યુદ્ધમાં નિડરતાથી લડી રહેલા યુક્રેનના પ્રમુખ વોલોદીમિર ઝેલેન્સકી હવે દેશમાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપોનો સામનો કરી રહ્યા છે.
યુક્રેનના તપાસકર્તાઓએ દાવો કર્યો છે કે ઝેલેન્સકીના બિઝનેસ પાર્ટનર તૈમૂર મિન્ડિચ દ્વારા સંચાલિત એક ગુનાહિત સંગઠને રાજ્યની માલિકીની પરમાણુ ઊર્જા કંપનીમાંથી 10 કરોડ ડોલરની ઉચાપત કરી છે. આ કૌભાંડમાં મની લોન્ડરિંગ, છેતરપિંડી અને નાણાકીય ગુનાઓની શ્રેણી સામેલ છે.અહેવાલો અનુસાર, તૈમૂર મિન્ડિચ અને વોલોદીમિર ઝેલેન્સકી દ્વારા સ્થાપિત જાણીતા કોમેડી ટેલિવિઝન સ્ટુડિયો "ક્વારતલ 95"ના માલિક છે. ભ્રષ્ટાચાર વિરોધી એજન્સીના જણાવ્યા અનુસાર, આ કૌભાંડ એક પરમાણુ ઊર્જા કંપની સાથે સંકળાયેલી યોજનામાંથી ઉદભવ્યું હતું, જેમાં શેરધારકોએ કોન્ટ્રાક્ટરો પાસેથી 10થી 15 ટકા લાંચ લીધી હતી.
આ તપાસ માટે દરોડા પાડવામાં આવે તે પહેલાં જ તૈમૂર મિન્ડિચ દેશમાંથી ભાગી ગયો હોવાનું અહેવાલો દર્શાવે છે.આ કૌભાંડ બાદ યુક્રેનના રાજકારણમાં ગરમાવો આવ્યો છે, અને વિપક્ષી દળો પ્રમુખ ઝેલેન્સકી પર સીધું દબાણ લાવી રહ્યા છે. યુક્રેનના મુખ્ય વિપક્ષી પક્ષ, યુરોપિયન સોલિડેરિટીએ પ્રમુખ ઝેલેન્સકી સામે અવિશ્વાસ મતની હાકલ કરી છે. આ કૌભાંડ બાદ વધેલા દબાણને કારણે ઝેલેન્સકીના કહેવા પર બે મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે.દેશની સ્વતંત્ર તપાસ એજન્સી, નેશનલ એન્ટી કરપ્શન બ્યુરો ઓફ યુક્રેન (NACBU), આ કેસમાં નવા ઘટસ્ફોટ કરી રહી છે. બ્યુરોના જાસૂસોએ છેતરપિંડીના વીડિયો બનાવ્યા છે અને વાયરટેપ રેકોર્ડિંગ્સ ઓનલાઈન પોસ્ટ કરીને ભ્રષ્ટાચાર વિશેની માહિતી એક પછી એક જાહેર કરી રહ્યા છે. જો કે પ્રમુખ ઝેલેન્સકી આ કેસમાં સીધા આરોપી નથી, પરંતુ તેમના નજીકના વ્યક્તિનું નામ સંડોવાતા યુક્રેનિયન નાગરિકોને આઘાત લાગ્યો છે.
Reporter: admin







