કમિશ્નર તપાસ કરાવડાવી, જવાબદારો સામે કાર્યવાહી કરે

કોર્પોરેશન દ્વારા એફપી 138 હરણી ખાતે બનાવાયેલા આવાસોમાં કૌભાંડ આચરાયું હોવાનો આરોપને લઇ અગાઉ કમિશનરને પત્ર લખતા ખળભળાટ મચી ગયો છે. સંજયે કમિશનરને લખેલા પત્રમાં જણાવાયું છે કે પીએમજેવાય યોજના અંતર્ગત હરણી ઇડબલ્યુએસ એફપી 138 હરણી ખાતે કુલ 400 આવાસ બનાવા ઇજારદાર આરજેપી ઇન્ફા.ને ટેન્ડર થકી આવાસો બનાવવા કોન્ટ્રાક્ટ અપાયો હતો. જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા ટેંડરની જોગવાઇ મુજબ કામ કરાયા નથી. આ બાબતે તેમણે આરટીઆઇ થકી માહિતી માંગતા તેમને આરટીઆઇની માહિતી પણ ગેરમાર્ગે દોરતી અને ખોટી આપી હતી. આ કામ પેટે ટીપીઆઇ, પીએમસી અને સંસ્થાના જવાબદાર અધિકારી કર્મચારીએ પોતાની સત્તાનો દુરપયોગ કરી ઇજારદારને આર્થિક લાભ અપાવવા ઇજારદાર દ્વારા ટેન્ડર મુજબના કામ થયેલ છે કે કેમ તેની તપાસ કર્યા વગર તથા લાભાર્થીને મળતી સવલતોથી વંચીત રાખી ચુકવાણા કરવા બિલો રજુ કરી કોન્ટ્રાક્ટરને લાભ અપાવાયો છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે સ્કોપ ઓફ વર્ક્સ દ્વારા ગેસ લાઇનની જોગવાઇ હોવા છતા કામગીરી કરેલી નથી અને આરટીઆઇમાં જવાબ મંગાતા ગેરમાર્ગે દોરતી માહિતી અપાઇ હતી કે ગેસ લાઇનની કામગીરી વડોદરા ગેસ લિમીટેડ દ્વારા કરાઇ હોવાથી અત્રેની કચેરીએથી કોઇ માહિતી આપવાની થતી નથી. આ બાબતે વડોદરા ગેસમાં તપાસ કરતા જાણવા મળેલ કે તેઓ દ્વારા આ સ્થળે આ લગત કોઇ કામગીરી કરેલી નથી. સ્થળ પર નાખેલ ગેસ લાઇન ચરોતર ગેસ સહકારી મંડળીની છે અને જે ઘરેલું ગેસ માટે વડોદરામાં ગેસ સર્વિસ આપતી નથી. તો ત્યાં કઇ રીતે ગેસની લાઇનો આવી હશે તે તપાસનો વિષય બને છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે કોન્ટ્રાક્ટરે વોટર પ્રુફીંગની કામગીરી કરેલી નથી તથા 10 વર્ષના ગેરન્ટી બોન્ડ રજુ કર્યા નથી. ઉપરાંત કોન્ટ્રાક્ટર દ્વારા આવાસોમાં પુટ્ટી કરાઇ નથી. તો આવાસોમાં ઇલેકટ્રીફિકેશનની કામગીરી ટેન્ડર મુજબ થયેલી નથી. ઉપરાંત ટેન્ડર સ્પેસીફિકેશન મુજબ કલર કામ થયું નથી. નિયત થયેલ ટેન્ડરના કલરનો ઉપયોગ કરેલો નથી.. કોન્ટ્રાક્ટરે શહેરી વિકાસ વિભાગના ઠરાવ મુજબ જરુરી પ્રમાણુપત્રો રજૂ કરેલા નથી તથા કામગીરી કરેલી નથી. આવી ઘણી કામગીરી ટેન્ડરમાં જોગવાઇ હોવા છતાં કોન્ટ્રાક્ટરે કરી નથી જેમકે સોલરની કામગીરી, નળની કામગીરી, પાણીની જરુરીયાત મુજબ પાણીની વ્યવસ્થા થઇ નથી. ટેન્ડરમાં નિયત થયેલ માલ સામાન નિયત થયેલ વેન્ડર કે કંપનીનો વાપરવામાં આવ્યો નથી. આવી અનેક કામગીરી કરાઇ નથી.

જવાબદાર અધિકારી અને કર્મચારી સામે કાર્યવાહી કરો
સંજયે પત્રમાં જણાવ્યું છે કે આના પરથી જાણી શકાય છે કે ટીપી, પીએમસી કે જવાબદાર અધિકારી કર્મચારીઓએ કોન્ટ્રાક્ટરને આર્થિક લાભ અપાવવા અને લાભાર્થીને મળતી સવલતોથી વંચિત રાખવા હેતુ પોતાની સત્તાનો દુરપયોગ કર્યો હોય તેવું પ્રસ્થાપિત થાય છે. આ બાબતે યોગ્ય તપાસ હાથ ધરી જવાબદારો સામે નશ્યત થાય તેવી કાર્યવાહી કરાય.
Reporter: admin







