વડોદરા : પાદરાની એસબીઆઇ બેંકના મેનેજર અને ડે.મેનેજરનું રૂ.10 લાખની લોનનું કૌભાંડ બહાર આવ્યું છે.
પાદરા પોલીસ મથકમાં બેંકના મેનેજર દિલીપ બાબરભાઇ બામનિયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ઓથોરીટી દ્વારા બેંક જોડે છેતરપીંડી કરનાર વિરૂદ્ધ કાર્યવાહી કરવાનો પત્ર પાઠવવામાં આવ્યો હતો. જેથી લોન લઇને ભરપાઇ નહીં કરનારા ખાતેદારો વિરૂદ્ધ તપાસ શરૂ કરાઇ હતી દરમિયાન ધ્યાને આવ્યું કે, મેસર્સ એકલવ્ય ગ્રુપના પ્રોપ્રાઇટર પ્રિન્કલ નિરજ ધનુરધારી (રહે. નિજાંદ બંગ્લો, ડભોઇ, વડોદરા) દ્વારા કેશ ક્રેડિટ લોન અને ટર્મ લોન માટે અરજી કરી હતી. તત્કાલિન લોન ઓફિસર સુપ્રભાત કુમાર દ્વારા સંસ્થાનું પ્રિ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું ન હતું.
તે વખતના બેંક મેનેજર સુનિલ સિન્હા અને ડે.મેનેજર સુપ્રભાત કુમારે ડોક્યૂમેન્ટની ખરાઇ કર્યા વગર, એકલવ્ય ગ્રુપના પ્રિન્કલ ધનુરધારીને રૂ.10 લાખની મુદ્દા લોન મંજુર કરી આપી હતી.સાથે જ પ્રિન્કલે બેંકને લેટર ઓફ એરન્જમેન્ટ અને લેટર ઓફ ગેરન્ટી ઉપર સહીં કરી આપી હતી. તેમજ સ્ટોર સહિતની વસ્તુઓને સીસી લોનના ધીરાણના ભાગરૂપે હાઇપોથીફીકેશન કરી આપ્યું હતું. બાદમાં પ્રિન્કલે સમયસર લોન ભરપાઇ કરી ન હતી. તેથી વર્ષ 2019 ના રોજ તેનું એકાઉન્ટ એનપીએ થઇ ગયું હતું. વર્ષ 2021 માં બેંક મેનેજર સુનિલકુમાર સિન્હા નિવૃત્ત થઇ ગયા હતા. બાદમાં પ્રિન્કલનો સીબીલ રીપોર્ટ જોતા તેણે અન્ય બેંકમાંથી રૂ.1.50 કરોડની લોન મેળવી હતી, જેમાં રૂ.33 લાખ રકમ બાકી દર્શાવતી હતી. જે બાદ તપાસ કરતા તેણે કરાર મુજબ કોઇ પણ પ્રકારના ખરીદ-વેચાણ કર્યાના વ્યવહાર રજુ કર્યા ન હતા. વધુ તપાસમાં ધ્યાને આવ્યું કે પ્રિન્કલે પોતાના એકાઉન્ટમાંથી રકમ પોતાના ધંધાના અન્ય સ્થળે તદબીલ કરીને લોનની ચૂકવણી કરવાના બદલે બેંક સાથે વિશ્વાસઘાત કર્યો હતો.
Reporter: admin







