ગૃહ વિભાગ આ વિષયને ગંભીરતાથી લે તો બુટલેગરો અને મદદગારી કરનારાઓની હરકતો ઉપર લગામ કસવી મોટી વાત નથી
ગૃહ મંત્રી તમારે નવી પેઢીને નશા મુક્ત કરવી છે કે નશા યુક્ત કરવી છે?....
મંગળવારે પોલીસ ખુરશી નાખીને બેઠીને સામે જ બુટલેગરનો ધંધો ચાલુ !

શહેરમાં કડક પોલીસ કમિશનર તરીકે છાપ ધરાવતા પોલીસ કમિશનરના આદેશને ઘોળીને પી જતાં સમા પોલીસ સ્ટેશનના કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મીઓ જોવા મળી રહ્યા છે સોમવારના રોજ સમા વિસ્તારમાં આવેલા નહેરુનગર તેમજ સંજયનગરના સ્થાનિક રહીશોએ જેમાં ખાસ કરીને સ્થાનિક મહિલાઓ દ્વારા પોતાનો એક મોરચો લઈ પોલીસ ભવન સ્થિત પોલીસ કમિશનર કચેરીએ ગયા હતા. જ્યાં રહીશોની એક રજૂઆત હતી કે, સમા સંજયનગર તેમજ નહેરુ નગર, જવાહરનગર, નવીનગરીમાં અસામાજિક તત્વો દ્વારા દારૂનો જે ઇંગલિશ હોય કે દેશી તેનો ખુલ્લેઆમ વેપાર ચાલાવી રહ્યા છે. આ બાબતે સ્થાનિકોની રજૂઆત હતી કે, આ વિસ્તારોમાં નિયમિત રીતે સવારે પાંચ વાગ્યાથી લઈ અને રાત્રિના એક વાગ્યા સુધી દારૂનો વેપાર ખુલ્લેઆમ ચાલી રહ્યો છે. આ ઉપરાંત આ વિસ્તારોમાં અડધી રાતે કોઈ વ્યક્તિનું મરણ કે બિમાર થયું હોય પરંતુ એમ્બ્યુલન્સ કે શબ વાહિની મંગાવવી હોય તો પણ એકવાર વિચાર કરવો પડે છે. ઘણીવાર દારૂનો ધંધો કરનાર બુટલેગરો સામે રહીશોએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી. આ બાબતે સ્થાનિક પોલીસ બુટલેગરના ત્યાં આવી દેખાડો કરી જતી રહેતી હોય છે.ત્યારે સંજયનગર સહિતના રહેવાસીઓએ પોલીસ કમિશનર ઓફિસે પોલીસ કમિશનરને મળીને રજૂઆત કરવાનું નક્કી કર્યું હતું.જેથી મહિલાઓ સહિત સ્થાનિકો આવ્યા હતા અને બુટલેગરોના ફોટાઓ સહિત ત્યાં પહોંચી રજૂઆત કરી હતી ત્યારબાદ સ્થાનિક પોલીસ સમા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓએ દેખાડો કરવા પૂરતી આવી હતી અને બુટલેગરોના ઘરની બહાર ખુરશી નાખી ચાર કલાક બેસીને જતી રહી હતી પણ આ દરમિયાન બુટલેગરોનો દારૂનો ધંધો તો ચાલુ જ રહ્યો હતો? તેવી સંજયનગર મા ચર્ચા હતી. જેમાં ફક્ત પીવાની મનાઈ હતી દારૂ લઈ જવાની તો છૂટ જ હતી. અવાર નવાર સ્થાનિકો દ્વારા રજૂઆત કરવા છતાં પણ સ્થાનિક પોલીસના વહીવટદાર અજીતસિંહ નામના સિન સપાટા કરી નીકળી જતા હતા . સ્થાનિકોએ રજૂઆત કરી છે કે આ બાબતે યોગ્ય નિર્ણય લેવામાં આવે અને આવતા જતાં શરાબીઓ દ્વારા માં- દીકરીઓને છેડવામાં ના આવે તે બાબતે યોગ્ય પગલાં લે. જો પોલીસ દ્વારા યોગ્ય રીતે પગલાં લેવામાં નહીં આવે તો અમને એવું લાગશે કે ભાજપ ના શાસનમાં ગુજરાતીઓ જાણે બિહારમાં જ રહીએ છીએ.
રાજ્ય સરકારના શરાબબંધીના નિયમોની અવગણના
આજની યુવા પેઢીને નશાથી દૂર રાખવા માટે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર નવા નવા પગલાં ભરી રહી છે. તેમાંય ખાસ કરીને કોઈપણ શાળાની આજુબાજુના 500 મીટરના અંતર સુધી કોઈપણ વ્યક્તિ પાન પડીકી કે તમાકુનું વેચાણ કરી શકતા નથી પરંતુ સ્થાનિક પોલીસ (સમા-પોલીસ) ની મહેરબાની હેઠળ સમા વિસ્તારમાં બ્રીજ પાસે આવેલી નામચીન શાળાની બાજુમાં આવેલા દેશી દારૂના માલિક અશોક માળી જે પોતે સંજયનગરના બુટલેગર કનુ માળીના સગા બનેવી થાય છે તે અશોક માળીનો તમામ વહિવટ કનુ માળી સંભાળી રહ્યો છે. અવારનવાર સ્થાનિક પોલીસના વહિવટદાર અને કર્મચારીઓ અહીં હાજર જોવા મળે છે .આ ઉપરાંત અશોક માળીની આસપાસના વિસ્તારમાં એટલી મોટી દાદાગીરી છે કે, કોઈપણ વ્યક્તિ તેનું નામ લેતાં ગભરાઈ રહ્યું છે.સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ, અશોક માળી દેશી દારૂની સાથે ઇંગલિશ દારૂનો પણ ધંધો કરી રહ્યો છે. ગૃહ મંત્રી તમારે નવી પેઢીને નશા મુક્ત કરવી છે કે નશા યુક્ત કરવી છે?

સમાની ડાયરી ખૂલે તો ભ્રષ્ટ ચહેરાઓ બેનકાબ!
સમા વિસ્તારમાં અંદાજીત નાના મોટા થઈને દેશી અને અંગ્રેજી દારુના 100 થી વધુ અડ્ડાઓ ધમધમી રહ્યા છે અને આ એટલે જ શક્ય બન્યા છે કારણકે ખાખીની મીઠી નજર છે. અહી સ્ટેટ મોનિટરીંગ સેલ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સમા પોલીસ સ્ટેશનના હાલના અને જૂના વહિવટદરાનો તટસ્થતાથી તપાસ પૂછપરછ હાથ ધરવામાં આવે તો તેઓની પાસેથી ડાયરીમાં અથવા તો લિસ્ટમાં અગાઉ જે રીતે બહુચર્ચિત વિક્રમ ચાવડાની લાલ ડાયરીમાં કેટલાક ભ્રષ્ટ પોલીસ તથા કથિત હપ્તાખોર પત્રકારોની સંડોવણી બહાર આવી હતી પરંતુ તે 'લાલ ડાયરીને 'ખાખી દ્વારા દબાવી દેવામાં આવી હતી ત્યારે સમા પોલીસના વહિવટદારોની પૂછપરછ કરાય તો કેટલાક ભ્રષ્ટ પોલીસ કે જેઓનું સરકારી પગારથી પોતાના પરિવારનું ગુજરાન ન ચાલી શકતા આવા બુટલેગરોના શરણમાં જતાં ખાખી તથા કેટલાક કથિત પત્રકારોની સંડોવણી ઉઘાડી પડી શકે તેમ છે.
દારુડિયા પતિઓની હેરાનગતી મુદ્દે મંત્રીએ બોલવું જરૂરી...
સ્થાનિક મહિલાઓએ સમા વિસ્તારના માથાભારે બુટલેગરો તથા શરાબ પીવા આવતા અને સ્થાનિક મહિલાઓ, યુવતીઓની મશ્કરી કરતા નશાખોર તત્વો સાથે જ શરાબી પતિઓના ત્રાસ સામે જ્યારે મહિલાઓ રણચંડી બનીને આગળ આવી હોય ત્યારે મહિલા અને બાળવિકાસ વિભાગના મંત્રી અને શહેર વાડી વિધાનસભાના મહિલા ધારાસભ્યએ આ મહિલાઓની વેદના સમજી પોલીસ થકી આવા તત્વો પર કાર્યવાહી હાથ ધરાવવી જોઇએ.
બુટલેગર મહેશ માળીના દલાલનો વાણીવિલાસ
સમા સંજયનગરના બુટલેગર મહેશ માળીનો દલાલ કહેવાય કે પછી દેશી ભાષામાં ફોલ્ડરીયો જે મંગળવારે જાહેર પબ્લિકની અંદર વાણીવિલાસ કરતા જોવા મળ્યો હતો જેમાં તે પોતાને અબ્બા નામે ઓળખાવતો અને સમા ની અંદર માથાભારે ઈસમ તરીકે છાપ ધરાવતો વ્યક્તિ છે જે જાહેરમાં કહેતો હતો કે, "કૂતરાંઓને રોટલો નાખીએ એટલે કૂતરું ચુપ થઈ જાય" આ બાબતે ગૃહમંત્રી આપનું શું કહેવું છે કે આપની પોલીસને એક સામાન્ય બુટલેગર કૂતરો સમજે છે? સૂત્રોના જણાવ્યા અનુસાર આ 'અબ્બા' નામના ફોલ્ડરિયાને સમા પોલીસે ઝડપ્યો હતો પરંતુ થોડા કલાકો બાદ છોડી મૂક્યો હોવાનું જાણવા મળ્યું છે.
Reporter: admin







