News Portal...

Breaking News :

નિષ્ઠુર નેતાઓ અને અહંકારી અધિકારીઓનાં, પ્રજાના પૈસે તાગડધિન્ના

2025-01-30 10:04:10
નિષ્ઠુર નેતાઓ અને અહંકારી અધિકારીઓનાં, પ્રજાના પૈસે તાગડધિન્ના


મહાકૂંભમાં કરુણાંતિકા સર્જાઇ છતાં વડોદરાનાં શાસકોના પેટનું પાણી ના હલ્યું.


વડોદરાવાસીઓના પૈસે લીલાલહેર કરનારા, મહાનગરપાલિકાના શાસકો બજેટ પરની ચર્ચાના લંચ બ્રેક દરમિયાન વૈભવી હોટલમાં ભોજન માટે પહોંચ્યા હતા. જો કે આજે મહાકુંભમેળામાં થયેલી ભાગદોડમાં 30 જેટલા શ્રદ્ધાળુઓના મોત થયા હતા. અને 90થી વધુ શ્રદ્ધાળુઓ હોસ્પિટલમાં દાખલ થયેલા છે. ત્યારે પાલિકાના શાસકોએ આ ઘટનાનો મલાજો પણ જાળવ્યો ન હતો અને વૈભવી હોટલમાં લંચ લીધું હતું. કમિશનરે મંગળવારે બજેટ રજૂ કરી દીધા બાદ સ્થાયી સમિતીની બેઠક આજે બજેટની ચર્ચા માટે મળી હતી. બપોરનો સમય થયો ત્યારે પ્રજાના પૈસે લીલાલહેર કરવામાં માનતા સ્થાયીના સભ્યો,મેયર અને ચેરમેન સહિત કોર્પોરેશનની આખી ટીમ લંચ બ્રેક દરમિયાન વૈભવી હોટલમાં પહોંચી ગઇ હતી. 


લોકોના પૈસે મોંઘીદાટ ડીશ આરોગી હતી. જો કે કરુણતા એ છે કે પ્રયાગરાજ મહાકુંભમેળામાં દૂર્ઘટના સર્જાઇ હોવા છતાં શાસકોના પેટનું પાણી હલ્યું ન હતું અને મોતનો પણ મલાજો જાળવ્યો ન હતો અને વૈભવી હોટલમાં ભોજન આરોગી લીધું હતું. રાજકારણીઓ જાડી ચામડીના હોય છે તે સૌએ માનવું જ રહ્યું. સામાન્ય લોકોમાં તો આક્રોશ જોવા મળ્યો હતો કે જ્યારે આજે દેશના સૌથી મોટા ધાર્મિક આયોજનમાં દૂર્ઘટના ઘટી છે ત્યારે પણ આ નમાલા નેતાઓને વૈભવી હોટલમાં ભોજન લેવાની ઇચ્છા થઇ ગઇ હતી. આ એવી દૂર્ઘટના હતી કે દેશનો પ્રત્યેક નાગરીક દ્રવી ઉઠ્યો હતો પણ વડોદરાના જાડી ચામડીના શાસકોને તેની કોઇ અસર થઇ ન હતી. એક તરફ પ્રજા પર 50 કરોડનો સફાઇવેરો લાદવાની વાતો રજૂ કરાય છે અને બીજી તરફ વડોદરાવાસીઓના જ પૈસે તાગડધીન્ના પણ કરાય છે તેવો સૂર પણ લોકોમાં જોવા મળ્યો હતો.

Reporter: admin

Related Post