લિસ્બન (પોર્ટુગલ): પોર્ટુગલના જગવિખ્યાત ફૂટબૉલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ આમ તો ફૂટબૉલના મેદાન પરથી તેમ જ બ્રેન્ડ વેલ્યૂ અને વાર્ષિક કમાણીની બાબતમાં ઘણા વિક્રમો નોંધાવ્યા છે, પરંતુ હવે તેણે વધુ એક વખત નવો ઇતિહાસ રચ્યો છે.
એક અબજ (100 કરોડ) ફૉલોઅર્સ પોતાના નામે નોંધાવીને રોનાલ્ડો વિશ્વનો સૌથી લોકપ્રિય સ્પોર્ટ્સપર્સન પણ બન્યો છે.આ લિસ્ટમાં બીજા નંબરે પોપ-સ્ટાર સેલીના ગોમેઝ છે જેના અંદાજે 69 કરોડ ફૉલોઅર્સ છે.રોનાલ્ડોને પોતાની યુટયૂબ ચેનલ પરના લાઇવ કાઉન્ટ વીડિયો મારફત પોતાના એક અબજ ફૉલોઅર્સ વિશેની માહિતી એકઠી થતાં મળી શકી હતી.રોનાલ્ડોએ પોતાના આ નવા રેકોર્ડ વિશે આનંદ વ્યક્ત કરતા સોશિયલ મીડિયામાં ચાહકોનો આભાર માનતા જણાવ્યું હતું કે ‘મૅડિરાના રસ્તા પર ફૂટબોલ રમવાનું શરૂ કરીને હું ફૂટબૉલ જગતના સર્વોચ્ચ સ્થાન સુધી પહોંચ્યો એ બદલ હું ખૂબ ખુશ છું. હું હંમેશાં મારા પરિવાર માટે અને તમારા બધા માટે રમ્યો છું અને હવે આપણા બધાની સંખ્યા મળીને એક અબજ સુધી પહોંચી ગઈ છે એનો પણ મને બેહદ આનંદ છે. આપણે ધ્યેય સિદ્ધ કર્યો. ફૉલોઅર્સની સંખ્યા એક અબજ ઉપર પહોંચી ગઈ છે. મારા માટે આ બાબત આંકડાથી પણ વિશેષ છે. આના પરથી સાબિત થાય છે કે આપણા બધાને ફૂટબૉલની રમત પ્રત્યે કેટલો બધો પ્રેમ છે અને એનું આપણા બધાને કેટલું બધું પૅશન છે’
રોનાલ્ડોના કયા મીડિયા પ્લેટફોર્મ પર કેટલા ફોલોવર્સ?
ઇન્સ્ટાગ્રામ: 639 મિલ્યન
ફેસબુક: 170. 5 મિલ્યન
એક્સ (ટ્વિટર): 113 મિલ્યન
યુટયૂબ ચેનલ: 60 મિલ્યનથી વધુ
ક્વીશોઉ: 9 મિલ્યન
વિબો: 7 મિલ્યન.
Reporter: admin