News Portal...

Breaking News :

પટનામાં RJDના નેતા રાજકુમાર રાયની ગોળી મારીને ખુલ્લેઆમ હત્યા

2025-09-11 12:21:33
પટનામાં RJDના નેતા રાજકુમાર રાયની ગોળી મારીને ખુલ્લેઆમ હત્યા


પટના: બિહારમાં આ વર્ષના અંતે વિધાનસભા ચૂંટણી યોજવાની છે, એવામાં રાજ્યમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉભા કરે એવી ઘટના બની છે.



બુધવારે રાત્રે રાજ્યની રાજધાની પટનામાં રાષ્ટ્રીય જનતા દળ(RJD)ના નેતા રાજકુમાર રાય ઉર્ફે આલા રાયની ગોળી મારીને ખુલ્લેઆમ હત્યા કરવામાં આવી  છે.અહેવાલ મુજબ આ ઘટના પટનાના ચિત્રગુપ્ત નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. મૂળ રાઘોપુરના રહેવાસી રાજકુમાર રાય પ્રોપર્ટી ડીલર હતાં અને RJD સાથે જોડાયેલા હતાં.તેઓ રાજકારણમાં ખૂબ સક્રિય રહેતા હતાં. અહેવાલ મુજબ આગામી વિધાનસભા ચૂંટણીમાં રાઘોપુરથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા હતાં, એ પહેલા તેમની હત્યા થતાં ખળભળાટ મચી ગયો છે.બુધવારે રાત્રે રાજકુમાર રાય પોતાની કારમાં ઘર તરફ જઈ રહ્યા હતાં ત્યારે અચાનક તેમના પર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો. જીવ બચાવવા તેઓ ભાગીને નજીકની એક હોટલમાં છુપાઈ ગયા પરંતુ હુમલાખોરોએ તેમનો પીછો કર્યો અને હોટલમાં ઘુસીને તેમના પર ગોળીબાર કર્યો હતો.ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં અને લોહોલુહાણ હાલતમાં રાજકુમાર રાયને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતાં, હોસ્પિટલમાં હાજર ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા. સરેઆમ હત્યાની ઘટના બાદ વિસ્તારમાં ડરનો માહોલ છે.પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ બે શખ્સોએ આ ઘટનાને અંજામ પાયો હતો. પોલીસને મળેલા સીસીટીવી ફૂટેજમાં બે શખ્સો જોવા મળ્યા છે. 


પોલીસને ઘટના સ્થળેથી 6 કારતૂસ મળી આવ્યા છે.પોલીસ હુમલાખોરોને શોધી રહી છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી(FSL) ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે.રાજકુમાર રાયની હત્યાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, હાલ પોલીસ તમામ એન્ગલથી ઘટનાની તપાસ કરી રહી છે. રાજકીય દુશ્મનાવટ મામલે હત્યા કરવામાં આવી કે કોઈ અંગત અદાવતને કારણે, એ આરોપીની ધરપકડ બાદ જ જાણવા મળશે.RJD નેતા તેજસ્વી યાદવ અગાઉ બિહારમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ અંગે નીતિશ કુમારની સરકાર સામે સવાલો ઉઠાવી ચુક્યા છે, ત્યારે અગામી બિહાર વિધાનસભા ચૂંટણીમાં આરજેડી અને કોંગ્રેસ રાજકુમાર રાયની હત્યાનો મુદ્દો જોરશોરથી ઉઠાવી શકે છે.નોંધનીય છે કે આ વર્ષે જુલાઈ મહિનામાં ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, આ મામલે પણ રાજકારણ ગરમાયું હતું. ત્યાર બાદ હવે રાજકુમાર રાયની હત્યા મામલે રાજકારણ ગરમાય તેવી શકયતા છે.મૃતક રાજકુમાર રાયનાના બહેના શીલા દેવીએ જણાવ્યું કે જો ગુનેગારોની ધરપકડ નહીં થાય તો તેઓ મૃતદેહને રસ્તા પર રાખીને વિરોધ કરશે.

Reporter: admin

Related Post