ગુજરાતના અરવલ્લી જિલ્લાના 17 તથા વડોદરા જિલ્લાના 5 યાત્રીઓ મળી કુલ 22 યાત્રિકોનું રેસ્ક્યુ
કેદારનાથ ધામની યાત્રાએ ગયેલા અરવલ્લી જિલ્લાના 17 જેટલા ગુજરાતી યાત્રિકો ઉત્તરાખંડમાં મોટી લિન્ચોલી નજીક વરસાદ અને લેન્ડ સ્લાઈડિંગને કારણે ફસાઈ ગયા હતાં.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આ ફસાયેલા યાત્રિકો અંગેની જાણ થતાં જ તેમણે રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરને આ યાત્રિકોને સહિ સલામત સુરક્ષિત સ્થળે પહોંચાડવાની કાર્યવાહીનું તાત્કાલિક સંકલન કરવા સૂચનાઓ આપી હતી.સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર પરથી રાહત કમિશ્નર આલોક પાંડેએ ઉત્તરાખંડ સરકારના એસ.ઈ.ઓ.સી.નો સંપર્ક સાધીને આ ફસાયેલા ગુજરાતી યાત્રાળુઓની વિગતો અને સંપર્ક નંબર વગેરે પહોંચાડ્યા હતાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ સમગ્ર ઘટનામાં રાહત કમિશ્નર અને એસ.ઈ.ઓ.સી. ને સતત જરૂરી માર્ગદર્શન આપતા રહ્યા હતાં.ઉત્તરાખંડ સરકારના એસ.ઈ.ઓ.સી. દ્વારા આ ફસાયેલા યાત્રાળુઓના રેસ્ક્યુ અંગે રુદ્રપ્રયાગ જિલ્લા કંટ્રોલ રૂમ સાથે પરામર્શમાં રહીને તત્કાલ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.વાતાવરણ ક્લિયર થતાં જ ગુજરાતના અરવલ્લી જિલ્લાના 17 જેટલા ગુજરાતી યાત્રિકોને હેલિકોપ્ટર દ્વારા એર લિફ્ટ કરીને ગણતરીના કલાકોમાં જ સહીસલામત સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવેલ હતા.
ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાના 5 યાત્રીઓ ગૌરીકુંડ થી 5 કિમી દૂર આવેલ મુનકાટીયા ગણેશ મંદિર, કુનગઢ ખાતે વરસાદ અને લેન્ડ સ્લાઈડિંગને કારણે ફસાઈ ગયા હતાં.સ્થાનિક પ્રશાસન દ્વારા તમામની જમવાની તથા રહેવાની વ્યવસ્થા કરવામાં આવેલ હતી. ગણેશ મંદિરથી ગૌરી કુંડ જવાના રસ્તામાં 1.5 કીમી દૂર લેન્ડ સ્લાઇડિંગ થયેળ હોવાથી સ્થાનિક પ્રશાસને તેઓ જ્યાં છે ત્યાં જ રહેવા સૂચના આપેલ હતી. રસ્તો ખૂલતાં સ્થાનિક પ્રશાસન દ્વારા તમામ યાત્રિઓને રેસક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.અરવલ્લીનાં આ યાત્રિકોના ગ્રુપના એક અગ્રણી મનોજ ભાઇ તથા વડોદરા જિલ્લાના નિલેશભાઇએ સહુ યાત્રિકોને ટુંકા સમયમાં સહીસલામત નીચે પહોંચાડવા માટેની તાત્કાલિક વ્યવસ્થા કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ગુજરાત અને ઉત્તરાખંડના એસ.ઈ. ઓ.સી.ના અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
Reporter: admin