લખનઉં : ઉત્તર પ્રદેશના હાથરસમાં 2 જુલાઈ, 2024ના રોજ બનેલી ભયાનક નાસભાગની ઘટનામાં ન્યાયિક પંચે પોતાનો અહેવાલ સરકારને સોંપ્યો છે.
આ દુર્ઘટનામાં 121 લોકોના દુઃખદ મોત થયા હતા તેમજ ઘણા લોકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટના સત્સંગ કાર્યક્રમ દરમિયાન થઇ હતી અને હવે આ મામલે ન્યાયિક પંચે પોતાનો રિપોર્ટ સરકારને સોંપી દીધો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટના માટે સત્સંગના આયોજકો મુખ્યત્વે જવાબદાર હતા, જોકે પોલીસ અને વહીવટીતંત્રની બેદરકારીને પણ ગંભીર ભૂલ ગણવામાં આવી છે.રિપોર્ટ અનુસાર, જે સત્સંગમાં નાસભાગ થઈ હતી તેના આયોજકોએ સુરક્ષાના ધોરણોનું પાલન કર્યું ન હતું.
જોકે, SITની જેમ જ જ્યુડિશિયલ કમિશને પણ સત્સંગ પ્રવચનકર્તા સૂરજપાલ ઉર્ફે 'ભોલે બાબા'ને આ દુર્ઘટનાથી અલગ ગણીને તેમને ક્લિનચીટ આપી છે. તપાસમાં તારણ આવ્યું કે નાસભાગમાં બાબાની કોઈ ભૂમિકા ન હતી, પરંતુ અરાજકતા અને ગેરવહીવટને કારણે આ ઘટના બની હતી.રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પોલીસે પણ તેમની જવાબદારી ગંભીરતાથી નિભાવી નથી. ભીડ વ્યવસ્થાપન માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી ન હતી, જેના કારણે અચાનક નાસભાગ મચી અને મોટી સંખ્યામાં લોકો કચડાઈ ગયા હતા અને જીવ ગુમાવ્યા હતા. રિપોર્ટ અનુસાર, જો પોલીસ અને પ્રશાસન સતર્ક રહ્યું હોત અને ભીડ પર નિયંત્રણ માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા હોત તો આ દુર્ઘટનાને અટકાવી શકાઈ હોત.
Reporter: admin