૧૭.૭ કિલોમીટર લંબાઈના ક્ષતિગ્રસ્ત રસ્તા પર ડામર અને પેવર બ્લોકથી પેચવર્ક કામગીરી હાથ ધરવામાં આવી

માર્ગ દુરસ્તીકરણ ઝડપથી પૂર્ણ થાય તે માટે જરૂરી સાધનો સાથે માનવબળ તહેનાત
ચોમાસાની ઋતુ દરમિયાન ભારે/અતિભારે વરસાદના કારણે જરોદથી સમલાયા-સાવલી સુધીના ૧૭.૭ કિલોમીટર લાંબા રોડને વ્યાપક નુકસાન થયું હતું. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માર્ગ અને મકાન વિભાગ, વડોદરા દ્વારા આ માર્ગના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.અધિક્ષક ઈજનેર શ્રી એ.આર. રાઠવાએ જણાવ્યું હતું કે, આ ૧૭.૭ કિલોમીટર લાંબો અને ૭ મીટર પહોળો રસ્તો ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે બિસ્માર થયો હતો. વાહનચાલકો અને રાહદારીઓને દુવિધા ન પડે તે હેતુથી, ચાલુ વરસાદમાં પણ પેચવર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે વરસાદે વિરામ લેતા ડામરથી પેચવર્કની કામગીરી કરવામાં આવી રહી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

આ કામગીરી અંતર્ગત આશરે ૨ કિલોમીટરની લંબાઈમાં ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તા પર સૌપ્રથમ કાચા પેચ તરીકે વેટ મિક્સ કરવામાં આવશે. ત્યારબાદ તેના ઉપર BBM (બિટ્યુમિનસ બાઉન્ડ મેકેડમ) અને બિટ્યુમિનસ કોંક્રિટ (ડામર કોંક્રિટ) ની કામગીરી હાથ ધરવામાં આવશે. આ પેચવર્ક દ્વારા રસ્તા પરના ખાડાઓ પૂરવામાં આવશે અને સપાટીને સમાન બનાવવામાં આવશે, જેથી વાહનવ્યવહાર વધુ સુવિધાયુક્ત અને સરળ બની શકે.વધુમાં, સાવલી ગામમાં જ્યાં રસ્તાને વધુ નુકસાન થયું છે અને પાણી ભરાવાની સમસ્યા વધુ છે તેવા વિસ્તારોમાં પેવર બ્લોક થકી પેચવર્ક કરવાની કામગીરી હાથ ધરાઈ છે. પેવર બ્લોકનો ઉપયોગ પાણીના નિકાલમાં મદદ કરશે.માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ સમારકામની કામગીરી ત્રણ થી ચાર દિવસમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ સમારકામની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે સંબંધિત વિભાગ દ્વારા તમામ જરૂરી સંસાધનો અને માનવબળ તહેનાત કરવામાં આવ્યું છે.


Reporter: admin







