ડાકોર : પવિત્ર યાત્રાધામ ડાકોર અને બોરસદમાં પુષ્ય નક્ષત્રમાં તા. ૨૮મીને શનિવારે રથયાત્રા રંગેચંગે નીકળવાની છે. ત્યારે ડાકોરમાં શુક્રવારે ઠાકોરજી પોઢી ગયા પછી ચાંદી, તાંબા- પિત્તળના રથોને મંદિર પરિભ્રમણ કરી તપાસણી કરાઈ હતી.
પવિત્ર યાત્રાધામ ડાકોરમાં પુષ્ય નક્ષત્રની અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળે છે. તે જ પરંપરા બોરસદમાં પણ વર્ષોથી ચાલતી આવી છે. ડાકોરમાં તા. ૨૮મીને શનિવારે સવારે ૯.૩૦ વાગ્યે નીકળનારી રથયાત્રામાં ઠાકોરજીને નગરચર્યાએ નિકળેલા નિહાળવા ગામેગામથી ભક્તો ડાકોરમાં ઉમટી પડશે.ડાકોરનગરમાં રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને માટે ડાકોરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા ઠાકોરજી પોઢી ગયા બાદ ચાંદી, તાંબા અને પિત્તળના રથોને મંદિર પરિસરનું પરિભ્રમણ કરાવી તપાસણી કરાઈ હતી.શનિવારે ડાકોરના ઠાકોરજી પ્રજાને દર્શન આપવા નગરચર્યાએ નીકળશે.
આઠ કિલોમીટરની ગોમતી પ્રદક્ષિણા કરી રથયાત્રા મંદિરે પરત ફરશે. ત્યારે રથયાત્રા સાથે ૨૧૮ પોલીસ તૈનાત રહેશે. ડાકોર ટેમ્પલ કમિટીના ટ્રસ્ટી ભરતભાઈ ખંભોળાજાએ જણાવ્યું હતું કે, આજની રથયાત્રામાં ઠાકોરજીને ગજરાજની સવારી નહીં મળે. હાથીના મહાવતે ના પાડી હતી કે હાથીપર બે સવારીથી વધુ વ્યક્તિ નહીં બેસી શકે માટે હાથી નોંધાયો નહતો. અમદાવાદની ઘટના બાદ હાથી લાવવાનું જોખમ કરવું ડાકોર મંદિર માટે શક્ય નહોતું માટે હાથી લાવવવામાં આવ્યો નહતો. બોરસદમાં શનિવારે બપોરે ૨ વાગ્યા પછી નારાયણદેવ મંદિરથી રથયાત્રા ભીંડી બજાર, ટાવર રોડ, પટેલ ચકલા, જનતા બજાર, બ્રાહ્મણવાડા થઈને નિજમંદિર પરત ફરશે.
Reporter: admin







